Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું આંબાડુંગર ગામ આજે એક એવું સ્થળ બની ગયું છે જ્યાં તરસ છિપાવવા માટે રોજ સવારે મોતનો ખેલ ખેલાય છે. અંદાજે 3000ની વસ્તી ધરાવતું આ ગામ આઝાદીના દાયકાઓ પછી પણ પાયાની જરૂરિયાતથી વંચિત છે. ઉનાળાના ધગધગતા તાપમાં, ગામની મહિલાઓ પોતાના માથે બે બેડા પાણી મેળવવા માટે કાળમીંઢ પથ્થરો અને ઊંડી ખીણો વચ્ચે જીવનું જોખમ ખેડે છે. આ કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીનો જીવતો જાગતો નમૂનો છે.
કાગળ પર જીવતી અને જમીન પર મરતી યોજના
ગામલોકોને આશા હતી કે સરકારની નવી ‘પાણીદાર’ યોજના તેમના જીવનનો અંધકાર દૂર કરશે. ગામમાં પાણી પુરવઠાની મોટી ટાંકી અને સંપનું નિર્માણ પણ કરવામાં આવ્યું. લોકોના ઘરો સુધી નળ પણ પહોંચ્યા, પણ તે નળમાંથી પાણીને બદલે માત્ર સરકારી વચનોની હવા નીકળી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ આખો પ્રોજેક્ટ આજે માત્ર કાગળ પર જ સફળ દેખાય છે. જમીન પર તો માત્ર સૂકા ભઠ્ઠ ખાલી માળખાં ઊભાં છે, જે ભ્રષ્ટાચાર અને બેદરકારીની ગવાહી પૂરે છે.
નદી કિનારે વસવાટ છતાં ગામલોકો પાણી વિના તરસ્યા.
જ્યારે આ ગંભીર ગુના અંગે તાલુકા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવ્યા, ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે એન્જિનિયરિંગ અને વહીવટની નબળાઈનો પુરાવો હતો. તેમણે બચાવ કરતા કહ્યું કે, પાણીની ટાંકી બહુ ઊંચાઈ પર બનાવી દેવામાં આવી છે, જેના કારણે પાણી ઉપર ચડતું નથી! કરોડોના બજેટ પાસ કરતી વખતે નકશા અને ઊંચાઈની ગણતરી ન કરનારા જવાબદારો સામે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. તંત્રએ ‘ટૂંક સમયમાં કામ થઈ જશે’ એવું આશ્વાસન આપીને ફરી એકવાર વાત પર પડદો પાડી દીધો.
નર્મદાના કિનારે ગામ છતાં પાણી માટે વલખાં
આ મુશ્કેલીનો સૌથી મોટો વળાંક એ છે કે આંબાડુંગર ગામ પવિત્ર નર્મદા નદીના કિનારે જ વસેલું છે. અહીંથી નજીકમાં આવેલા હાંફેશ્વર ગામે કરોડોના ખર્ચે બનેલા મહાકાય પ્રોજેક્ટ દ્વારા નર્મદાનું પાણી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને દાહોદ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ, જે નદીના ખોળામાં આ ગામ બેઠું છે, ત્યાંથી માત્ર બે-ત્રણ કિલોમીટર દૂર રહેતા આદિવાસીઓ ટીંપા-ટીંપા પાણી માટે તડપી રહ્યા છે.
નળ સે જળ કે નળ સે છળ?
એક તરફ સરકાર ‘નળ સે જળ’ યોજનાની સફળતાના ઢંઢેરા પીટી રહી છે, તો બીજી તરફ આંબાડુંગરની વાસ્તવિકતા આ દાવાઓની ઠેકડી ઉડાવે છે. આ મુશ્કેલી વહીવટી તંત્રની આંખો ખોલશે કે પછી ફાઈલોના દબાણ હેઠળ દબાઈ જશે? નદી કિનારે તરસતી આ મહિલાઓની તરસ ક્યારે છિપાશે તે સૌથી મોટો પ્રશ્ન છે. વિકાસના ચમકતા ચહેરા પાછળ છુપાયેલું આ એક એવું સત્ય છે જે બધા નેતાઓ અને બાબુઓ જોવે છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી.


Leave a Comment