Privilege Motion Against Mallikarjun Kharge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના 6 સાંસદોએ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામે વિશેષાધિકાર ભંગ (Breach of Privilege)ની નોટિસ આપી છે. સાંસદોનો આક્ષેપ છે કે, ખડગેની ટિપ્પણી ગૃહની ગરિમા અને સંસદીય પરંપરાઓને અનુરૂપ નથી. ભાજપના સાંસદોએ રાજ્યસભાના સભાપતિને આ મામલે સંજ્ઞાન લઈને મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વિશેષાધિકાર સમિતિ કરશે સમગ્ર મામલાની તપાસ
રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દાખલ કરાયેલી આ વિશેષાધિકાર ભંગની નોટિસને તપાસ માટે વિશેષાધિકાર સમિતિ (Privilege Committee) પાસે મોકલી આપી છે. રાજ્યસભાની કાર્યવાહી અને કામકાજ સંચાલન નિયમાવલીના નિયમ 188 હેઠળ ભાજપના 6 સાંસદોએ આ નોટિસ આપી છે. જેમાં બ્રિજ લાલ, મિથિલેશ કુમાર, સુમિત્રા બાલ્મિક, શિવેશ કુમાર, ડૉ. સિકંદર કુમાર અને નાગેન્દ્ર રાયે સંયુક્ત રીતે આ નોટિસ આપી હતી. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત અને જાણીજોઈને અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જેનાથી સંસદ અને તેના સભ્યોની ગરિમાને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો : સપાના 25-26 સાંસદો ભાજપમાં જોડાવા તૈયાર, યુપીના ડે. CMના દાવાથી રાજકીય ગરમાવો!
આ મામલાના તથ્યો પર વિચાર કર્યા પછી, રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને 16 જૂન 2026ના રોજ નિયમ 203 હેઠળ આ કેસ તપાસ અને અહેવાલ માટે સમિતિને સોંપ્યો છે. હવે સમિતિ આખા મામલાની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સભાપતિને સોંપશે, જેના આધારે આગળનો નિર્ણય લેવાશે.


Leave a Comment