લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Looms Over India: Monsoon Farming And Economy Face Tough 5 Months

by

Thenewsdk

Updated: 18-06-2026, 10.00 PM

Follow us:

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Looms Over India: Monsoon Farming And Economy Face Tough 5 Months



El Nino’s Shadow : કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે. હાલમાં ભારત સામે આવો જ એક મોટો પર્યાવરણીય પડકાર આવીને ઊભો રહ્યો છે, જેનું નામ છે ‘અલ નીનો’. વર્ષ 2026નું ચોમાસું જૂનની શરૂઆતમાં કેરળમાં મોડું પહોંચ્યું અને શરૂઆતનો વરસાદ ઘણો નબળો રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ ઊનાળો અતિશય આકરો રહ્યો, પણ અલ નીનોની પૂરેપૂરી અસર દેખાવાની હજુ બાકી છે; આગામી 5 મહિના ભારત માટે મુશ્કેલીઓ લાવી શકે છે.

અલ નીનો શું છે, ભારત પર તેની અસર કેવી પડશે?

અલ નીનો એક એવી વૈશ્વિક આબોહવાકીય ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં સમુદ્રની સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે. તેના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનો નબળા પડે છે અને વૈશ્વિક હવામાન ચક્રમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે તેની અસર ભારતના ચોમાસા પર પણ પડે છે, જેના કારણે ચોમાસું નબળું પડવાની અને સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

ભારતમાં વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા વરસાદ ચોમાસામાં થાય છે. વિજ્ઞાનીઓના મતે, વર્ષ 2026માં અલ નીનો જૂનમાં નબળો, જુલાઈ-ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બર સુધીમાં વધુ મજબૂત થઈ શકે છે. હવામાન વિભાગ અને નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના મતે, જુલાઈ-ઓગસ્ટમાં અલ નીનો સક્રિય થવાની સંભાવના 80-90 ટકાથી વધુ છે.

ચોમાસાની નબળી શરૂઆત 

ભારત હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસાનો કુલ વરસાદ સરેરાશ કરતાં ઓછો (માત્ર 90-92 ટકા) રહેવાની શક્યતા છે, જેને કારણે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જૂન 2026ના પહેલા બે સપ્તાહમાં જ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 70-80 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. નબળી શરૂઆતને કારણે ખરીફ પાકની વાવણી મોડી થઈ રહી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય

ખેતી, અર્થતંત્ર અને પાણીની કટોકટી 

ભારતની લગભગ 50-60 ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે. ડાંગર, મકાઈ, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકો ઓછા વરસાદને કારણે પ્રભાવિત થઈ શકે છે. જો વરસાદ 90 ટકા કે તેનાથી ઓછો રહેશે, તો ખાદ્ય ઉત્પાદનમાં 10-15 ટકાનો ઘટાડો થઈ શકે છે.

  • પ્રભાવિત રાજ્યો: મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા વરસાદ આધારિત ખેતી કરતા રાજ્યોને સૌથી વધુ ફટકો પડી શકે છે.
  • પાણી અને વીજળીની અછત: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઘટવાથી જળાશયો ઝડપથી ખાલી થશે, જેનાથી પીવાના પાણીની કટોકટી અને હાઇડ્રોપાવર (જળવિદ્યુત) ઉત્પાદન ખોરવાઈ શકે છે. પશુઓ માટે ઘાસચારાની તંગી સર્જાઈ શકે છે.
  • મોંઘવારી અને જીડીપી (GDP): અનાજ અને શાકભાજીના ભાવ વધવાથી ખાદ્ય ફુગાવો વધશે, જે દેશના 7 ટકાના આર્થિક વિકાસ દર (GDP) ના લક્ષ્યાંક પર દબાણ લાવશે.
  • શહેરી પૂર વિરૂદ્ધ સૂકો દુષ્કાળ: અલ નીનોમાં ઘણીવાર એવું બને છે કે કુલ વરસાદ ઓછો થાય, પણ જે થાય તે ટૂંકા ગાળામાં ભારે વરસાદ (જેમ કે વાદળ ફાટવું) સ્વરૂપે થાય. જેથી એકતરફ ગ્રામીણ વિસ્તારના ખેતરો સૂકા રહે અને શહેરોમાં પૂર આવે. આ વર્ષે પણ એવું બનવાની સંભાવના નકારી ન શકાય.

નજીકના ભૂતકાળના અલ નીનો કેવા હતા? 

ભૂતકાળમાં 1997-98 નો સુપર અલ નીનો ઘણો મજબૂત હતો. 2009 માં અલ નીનો નબળો હતો, છતાં વરસાદ 37 વર્ષમાં સૌથી ઓછો એટલે કે માત્ર 78 ટકા રહ્યો હતો. 2015-16 માં પણ દેશે દુષ્કાળ જોયો હતો.

વર્ષ 2026માં આ જ પ્રકારે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી અલ નીનો સક્રિય રહેવાની ધારણા છે, જેની અસર 2027 ની શરૂઆત સુધી લંબાઈ શકે છે. જોકે, આ વખતે રાહતની વાત એ છે કે હિંદ મહાસાગર દ્વિધ્રુવીય સિસ્ટમ ભવિષ્યમાં સક્રિય થઈને અલ નીનોની અસરને થોડી ઓછી કરી શકે છે. 

પોઝિટિવ IOD (Positive IOD) શું છે?

હિંદ મહાસાગર દ્વિધ્રુવીય (Indian Ocean Dipole- IOD) એ હિંદ મહાસાગરમાં સર્જાતી એક એવી આબોહવાકીય ઘટના છે, જેની સીધી અસર ભારતના ચોમાસા પર પડે છે. જ્યારે આ સિસ્ટમ પોઝિટિવ હોય, ત્યારે તે ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ ઘટનામાં હિંદ મહાસાગરના બે છેડા (પશ્ચિમ અને પૂર્વ) ના તાપમાનમાં મોટો તફાવત સર્જાય છે.

  • પશ્ચિમ છેડો (આફ્રિકાની નજીક): અહીં દરિયાનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે.
  • પૂર્વ છેડો (ઇન્ડોનેશિયાની નજીક): અહીં દરિયાનું પાણી સામાન્ય કરતાં વધુ ઠંડું રહે છે.

ભારત પર તેની શું અસર થાય છે?

1. વધુ વરસાદ: આફ્રિકા નજીકનો દરિયો ગરમ હોવાને કારણે ત્યાં વધુ વરાળ બને છે અને મજબૂત ભેજવાળા પવનો ભારત તરફ ખેંચાઈ આવે છે. આનાથી ભારતમાં ચોમાસું વધુ સારું અને મજબૂત બને છે.

2. અલ નીનો સામે રક્ષણ: જો દેશમાં ‘અલ નીનો’ ના કારણે વરસાદ ઓછો થવાનો ભય હોય, તો પોઝિટિવ IOD તેની નકારાત્મક અસરને કાપી નાખે છે અને નબળા ચોમાસાને પણ સુધારી દે છે.

3. વર્ષ 2026 ની સ્થિતિ: હાલમાં આ સિસ્ટમ ‘તટસ્થ’ (Neutral) છે, પરંતુ ચોમાસાના પાછલા મહિનાઓમાં તે પોઝિટિવ થવાની સંભાવના છે, જે અલ નીનોના સંકટ વચ્ચે ભારતને થોડી રાહત આપી શકે છે.

‘અલ નીનો’ સામે લડવા મજબૂત યોજના જરૂરી

ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનના આકરા મિજાજ હવે વારંવાર જોવા મળી રહ્યા છે. આ વખતે સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે 200 થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળ રાહત પગલાં અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. લાંબા ગાળાના ઉપાય તરીકે આપણે પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ અને ઓછા પાણીમાં થતા પાકો તરફ વળવું પડશે. આગામી 5 મહિના મુશ્કેલ ચોક્કસ છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાપન, સમયસરની સલાહ અને સરકાર-નાગરિકોના સહિયારા પ્રયાસોથી આપણે આ આપત્તિની અસરને ઓછી કરી શકીશું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤