![]()
Joe Root Test Runs Record: ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટર જો રૂટ હાલમાં રન અને સદી ફટકારવામાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. રૂટે 165 ટેસ્ટ મેચોમાં 302 ઇનિંગ્સમાં 50.81ની પ્રભાવશાળી સરેરાશથી 14,075 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 41 સદી અને 67 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જે ગતિથી તે રમી રહ્યો છે એ જોતાં તે આગામી બે વર્ષમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો 15,921 ટેસ્ટ રનનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. રૂટ માત્ર 35 વર્ષનો છે. તેની ફિટનેસના આધારે તે 37 કે 38 વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે. આ દરમિયાન જો રૂટ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ક્યારે તોડશે? તેને લઈને દિગ્ગજ ક્રિકેટરે મોટી ભવિષ્યવાણી કરી છે.
જો રૂટ ક્યારે તોડશે સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ?
જો રૂટ હાલમાં સચિન તેંડુલકરના 15, 921 ટેસ્ટ રનના વિશ્વ રેકોર્ડને તોડવાથી માત્ર 1,847 રન દૂર છે. તે આગામી બે વર્ષમાં આ કાર્ય સરળતાથી પૂર્ણ કરવા માટે તૈયાર છે. રૂટ 30 ડિસેમ્બર, 2026ના રોજ 36 વર્ષનો થશે. સ્કાય સ્પોર્ટ્સ ટીમે ગણતરી કરી છે અને અંદાજ લગાવ્યો છે કે, જો રૂટ ખરેખર ક્યારે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી!
માઈકલ એથરટને સ્કાય સ્પોર્ટ્સ પર કહ્યું કે, ‘અમે ડેટાની ગણતરી કરી અને જોયું કે જો રૂટ પાસે સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની 71.3% શક્યતા છે અને તે 2028 ના ઉનાળામાં સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં અથવા 2028 માં ભારત પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં આવું કરી શકે છે.’ સચિન તેંડુલકરથી વિપરીત જો રૂટ ODI માં નિયમિત ખેલાડી નથી. તેણે 2013માં તેના ડેબ્યૂ પછી ફક્ત 189 ODI રમી છે. જો રૂટે 2019 થી T20I રમી નથી.
જો રૂટ 2012 માં ડેબ્યૂ કર્યા પછીથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, જો રૂટે સચિન તેંડુલકરની ઈંગ્લેન્ડ સાથેની છેલ્લી સિરીઝમાં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સચિન તેંડુલકર દરેક ફોર્મેટમાં નિયમિત ખેલાડી હતો. સચિન તેંડુલકરે 463 વનડે અને 200 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 18,426 વનડે રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન અત્યાર સુધી 15,000 વનડે રન સુધી પહોંચી શક્યો નથી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 100 સદી ફટકારી હતી.


Leave a Comment