સુરતમાં ફરી એકવાર કરોડોની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ વખતે ઠગાઈનો ભોગ ટેક્સટાઇલ કે ડાયમંડ ઉદ્યોગ નહીં, પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારી બન્યા છે. મોટા વરાછા વિસ્તારમાં ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા અભિષેક બોરડાએ મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે આશરે ૧.૪૩ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મુંબઈની કંપનીઓએ સુરતમાં જાણીતા બોલિવૂડ કલાકારો અને ગાયકોના ભવ્ય લાઈવ શો યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોટા કાર્યક્રમોના આયોજનના નામે વેપારીનો વિશ્વાસ જીત્યા બાદ વિવિધ તબક્કામાં એડવાન્સ તરીકે મોટી રકમ લેવામાં આવી હતી.
સમજૂતી મુજબ નક્કી કરેલા સમયગાળા દરમિયાન કોઈપણ લાઈવ શો યોજાયો નહોતો. ત્યારબાદ ફરિયાદીએ પોતાની રકમ પરત માગતા આરોપીઓએ સુરક્ષા રૂપે કરોડો રૂપિયાના ચેક આપ્યા હતા. જોકે સમગ્ર રકમમાંથી માત્ર રૂ. ૧.૧૫ લાખ જ પરત મળ્યા હતા. બાકીના અંદાજે રૂ. ૧.૪૧ કરોડના ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટના બાદ અભિષેક બોરડાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન, કરાર સંબંધિત દસ્તાવેજા અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે ખાસ તપાસ ટીમ મુંબઈ મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાએ સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ચકચાર મચાવી છે. પોલીસ હવે આ કેસમાં આર્થિક વ્યવહારો અને અન્ય સંભવિત પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.




Leave a Comment