સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરી છે અને સાર્વત્રિક ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે, હાઈવે બ્લોક થયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ, નવસારી અને ઉત્તર ગુજરાતના કડીમાં 6થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે ભારે જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. જો કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આ સમાચાર લખાય છે ત્યાં સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી
જૂનાગઢ અને ગીર સોમનાથમાં નદીઓ ગાંડીતૂર
જૂનાગઢના માળિયા હાટીનામાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે મેઘલ અને વ્રજમી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં વ્રજમી નદી પરનો મુખ્ય કોઝવે ધોવાઈ ગયો છે, જ્યારે વડીયા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળતા પાણકવા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ ભાખરવડ ડેમમાં પણ નવા નીરની ભારે આવક થઈ છે. ગીર સોમનાથના સુત્રાપાડાના બાવા ની વાવ ગામમાં 100 વીઘાથી વધુ ખેતરો બેટમાં ફેરવાયા છે. વડોદરા ઝાલા ગામ પણ જળબંબાકાર થતાં મામલતદાર અને TDOની ટીમે 6 જેસીબી મશીનો લગાવીને યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે. કેશોદના પાડોદર, સરોડ અને આખોદર ગામમાં રસ્તા ધોવાઈ જતાં ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.
વલસાડ અને નવસારીમાં ભારે તારાજી, હાઈવે ઠપ
દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે નેશનલ હાઈવે- 48 પર અબ્રામા પાસે ભારે પાણી ભરાઈ જતાં એક ટ્રક ફસાયો હતો અને સર્વિસ રોડ તેમજ ગટરમાં વાહનો ખાબકતા કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોની ટક્કરે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. નવસારીમાં પણ ધોધમાર વરસાદથી આમધરા ગામની પ્રાથમિક શાળાના ક્લાસરૂમમાં પાણી ભરાઈ જતાં શાળા બંધ કરવાની ફરજ પડી હતી.
https://twitter.com/sandeshnews/status/2072936361745608999
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ
બીજી તરફ વડોદરા શહેરમાં જુના પાદરા રોડ, અટલાદરા અને દિવાળીપુરામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં હર્ષની હેલી જોવા મળી છે. આણંદના પેટલાદ, વડોદરાના ડેસર અને ખેડાના કપડવંજ તથા ગળતેશ્વરમાં ભારે વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટતા અંધારપટ છવાયો હતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહેસાણાના આણખોલ ગામે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો— Gujarat Latest News Live : સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ, 48 માર્ગો બંધ, 225 ફીડર્સને અસર
Leave a Comment