મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શુક્રવારે સર્જાયેલી એક ગંભીર ઘટનાએ જાહેર બાંધકામ વિભાગ અને કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મહાલક્ષ્મી નજીક હાઈવે પર પડેલા વિશાળ ખાડા અને તેમાંથી બહાર નીકળેલા જીવલેણ લોખંડના સળિયાને કારણે માત્ર 12 મિનિટના ગાળામાં 15થી વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનચાલકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
રસ્તા વચ્ચેનો કોંક્રિટનો ભાગ સંપૂર્ણપણે ઘસાઈ ગયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતથી મુંબઈ તરફ જતી લેન પર રસ્તા વચ્ચેનો કોંક્રિટનો ભાગ સંપૂર્ણપણે ઘસાઈ ગયો હતો. વરસાદી માહોલમાં વાહનચાલકો આ જોખમી ખાડાઓને પારખી શક્યા ન હતા. પરિણામે, અતિ ઝડપે દોડતા વાહનો અચાનક ખાડામાં પછડાતા ટાયર ફાટી ગયા હતા અને વાહનોને ભારે નુકસાન થયું હતું. કેટલીક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ પણ હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.
કરોડો રૂપિયાનો ખર્ચો તેમ છતાં જેસે થે વેસેની સ્થિતિ
આ સમગ્ર પ્રકરણમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગયા વર્ષે જ આ રસ્તાના ‘વ્હાઇટ ટોપિંગ’ (White Topping) કામ માટે અંદાજે 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચ છતાં, પ્રથમ વરસાદમાં જ રસ્તો તૂટી જવો તે બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને એન્જિનિયરિંગની ક્ષતિઓ તરફ નિર્દેશ કરે છે. વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ છે. એક પીડિત કાર ચાલકે જણાવ્યું હતું કે, તેમની નવી નક્કોર કાર ખાડામાં પડતા બે ટાયર સંપૂર્ણપણે ફાટી ગયા હતા. તેમણે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરતા વળતરની માંગ કરી છે.
ઘટના બાદ કોન્ટ્રોક્ટરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ
આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રશ્ન એ છે કે ટેક્સના નાણાંનો આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલવું જીવલેણ બનતું હોય, તો જવાબદારી કોની? જો તાત્કાલિક અસરથી આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં વધુ ભયાનક અકસ્માતો થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલમાં વહીવટીતંત્રની કામગીરી અને દેખરેખ પદ્ધતિ સામે લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Pakistan માં ભીષણ માર્ગ અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 40 યાત્રિકોના મોત
Leave a Comment