ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વેરાવળ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારોથી લઈને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ મુશળધાર વરસાદની વચ્ચે ‘સંદેશ ન્યૂઝ’ની ટીમ દ્વારા વેરાવળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ‘ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ’ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ
ભારે વરસાદના કારણે વેરાવળનો હૃદયસમો ગણાતો ગાંધીચોક વિસ્તાર અને તેની આસપાસની મુખ્ય બજારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગઈ છે. કલાકોના વરસાદમાં જ આખો ગાંધીચોક વિસ્તાર જાણે કોઈ આર્ટિફિશિયલ સ્વિમિંગ પૂલ હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.




Leave a Comment