લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

શું આખો વિવાદ : માત્ર 48 કલાકમાં જ Zee5 પરથી કેમ હટાવી દેવાઈ દિલજીતની ‘Satluj’?

by

Thenewsdk

Updated: 06-07-2026, 05.12 PM

Follow us:

Satluj Controversy: દિલજીત દોસાંઝની બહુ ચર્ચિત ફિલ્મ ‘Satluj’ OTT પર રિલીઝ થતાં જ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. Zee5 પર 3 જુલાઈએ સ્ટ્રીમ થયેલી આ ફિલ્મને માત્ર 48 કલાકમાં જ ભારતમાં પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે.

ફિલ્મનું કન્ટેન્ટ, તેનું સંવેદનશીલ વિષય અને લાંબા સમયથી ચાલતો સેન્સર બોર્ડનો વિવાદ – આ બધું ફરી ચર્ચામાં આવી ગયું છે. હવે સવાલ એ છે, કે આખરે આ ફિલ્મમાં એવું શું છે, કે જેને લઈને રિલીઝ પછી પણ આટલો મોટો વિવાદ ઉભો થયો?

જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે ફિલ્મ

‘Satluj’ કોઈ કલ્પિત સ્ટોરી નથી, પરંતુ પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન અને તેમના સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે. જસવંત સિંહ ખાલરાએ 1984થી 1994 વચ્ચે પંજાબમાં ગુમ થયેલા અનેક યુવાનો અને કથિત ગેરકાયદેસર દાહ સંસ્કારના કેસોની તપાસ કરીને મોટો ખુલાસો કર્યો હતો.

તેમની આ તપાસે પંજાબ સહિત આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો. બાદમાં 1995માં તેઓ પોતે જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું, કે તેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પંજાબ પોલીસના કેટલાક કર્મચારીઓને દોષિત ઠેરવી સજા પણ ફટકારવામાં આવી હતી.

CBFC સાથે વર્ષોથી ચાલતો રહ્યો વિવાદ

આ ફિલ્મની મુશ્કેલીઓ OTT રિલીઝથી શરૂ નથી થઈ, પરંતુ થિયેટર રિલીઝ પહેલાંથી જ તેની સામે અવરોધ ઉભા થયા હતા. પહેલા ફિલ્મનું નામ ‘Ghallughara’ હતું, પરંતુ CBFCએ વાંધો ઉઠાવતા તેનું નામ બદલીને ‘Punjab 95’ કરાયું.

બાદમાં આ નામ અને ફિલ્મના અનેક દૃશ્યો પર પણ સેન્સર બોર્ડે વાંધા ઉઠાવ્યા. અહેવાલો મુજબ, ફિલ્મમાં 127 કટ્સ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પછી નિર્માતાઓ કોર્ટ સુધી ગયા અને આખરે અનેક કાનૂની અને સેન્સર ઝંઝટો પછી ફિલ્મનું નામ બદલીને ‘Satluj’ રાખવામાં આવ્યું. ત્યારબાદ તેને સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો.

માત્ર 48 કલાકમાં Zee5 પરથી કેમ હટાવાઈ?

ફિલ્મ 3 જુલાઈએ Zee5 પર આવી અને 5 જુલાઈએ અચાનક ભારતના કેટલોગમાંથી ગાયબ થઈ ગઈ. Zee5એ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “હાલના developmentsને ધ્યાનમાં રાખીને ફિલ્મ આગામી સૂચના સુધી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં.”

જોકે પ્લેટફોર્મે એ પણ જણાવ્યું, કે તેઓ આ ફિલ્મની વાર્તા સાથે મજબૂતીથી ઉભા છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરીથી તેને ભારતમાં ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરશે. મહત્વની વાત એ છે કે ફિલ્મ હાલમાં પણ Zee5 Global પર વિદેશી દર્શકો માટે ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે.

દિલજીતને પહેલેથી જ હતો ડર

ફિલ્મ હટાવી દેવામાં આવશે તેવી આશંકા દિલજીત દોસાંઝને પહેલેથી જ હતી. એ જ કારણથી તેમણે ફિલ્મનું બહુ મોટું પ્રમોશન પણ કર્યું નહોતું. ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન દિલજીતે પોતાના ફેન્સને કહ્યું હતું, કે કદાચ ફિલ્મ સોમવાર સુધીમાં હટાવી દેવામાં આવે,

તેથી જોવી હોય તો વહેલી તકે જોઈ લો. ફિલ્મ હટ્યા બાદ દિલજીત ફરી લાઇવ આવ્યા અને કહ્યું કે, “મને જે ડર હતો તે જ થયું. પરંતુ મને સંતોષ છે, કે જસવંત સિંહ ખાલરાની વાર્તા લોકો સુધી પહોંચી ગઈ. તમે મને જેટલો ત્રાસ આપવો હોય આપો, હું પંજાબ સાથે ઊભો રહીશ.”

આખરે વિવાદનું મૂળ શું છે?

‘Satluj’નો મૂળ વિવાદ તેના વિષયમાં જ છુપાયેલો છે. ફિલ્મ પંજાબના એક એવા સંવેદનશીલ સમયખંડને સ્પર્શે છે, જેમાં પોલીસ, માનવાધિકાર હનન અને રાજકીય દબાણ જેવા ગંભીર મુદ્દાઓ જોડાયેલા છે. તેથી જ આ ફિલ્મને લઈને પહેલા સેન્સર બોર્ડ સાથે ટકરાવ થયો અને હવે OTT પર રિલીઝ થયા બાદ પણ કાનૂની કે રાજકીય દબાણોના કારણે તેને ભારતમાં હટાવી દેવામાં આવી છે.

એટલે ‘Satluj’ હવે માત્ર એક ફિલ્મ નથી રહી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા, સેન્સરશિપ અને રાજકીય સંવેદનશીલતાની વચ્ચે ફસાયેલો મોટો વિવાદ બની ગઈ છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤