લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat heavy rain flood :425 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ-એલર્ટ પર, ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન ખોરવાયું

by

Thenewsdk

Updated: 09-07-2026, 10.06 AM

Follow us:

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 17.40 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ અને વલસાડના કપરાડામાં 12.68 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન પણ વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી
ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાંથી 3,881 અને નવસારી જિલ્લામાંથી 2,113 લોકો સહિત રાજ્યભરમાં કુલ 7,522 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત NDRF અને SDRFની ટીમોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 3,711 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે. હાલમાં સુરતમાં બે NDRF અને પાંચ SDRFની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે.

નર્મદા ડેમમાં 2,18,951 MCFT પાણીનો સંગ્રહ થયો
રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં નર્મદા ડેમમાં 2,18,951 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.54 ટકા જેટલો છે.

રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 41.17 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. તેમાં પાંચ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 20 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. ભારે પાણીની આવકને કારણે રાજ્યના 11 ડેમ હાઈ-એલર્ટ પર, ત્રણ ડેમ એલર્ટ પર અને અન્ય 11 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

કુલ 425 રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ
અવિરત વરસાદના કારણે રાજ્યમાં વાહનવ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પંચાયત હસ્તકના 403 રસ્તાઓ અને 15 રાજ્ય ધોરીમાર્ગો સહિત કુલ 425 રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની કુલ 266 બસ ટ્રિપો પણ રદ કરવામાં આવી છે.

વીજ પુરવઠા પર પણ ભારે અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ અને પવનના કારણે અનેક વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચતાં GUVNLના કુલ 240 ફીડર હાલ બંધ છે. વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરિયામાં ઊંચા મોજા અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને 8 જુલાઈથી 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤