ભોજનમાં મીઠું થોડું ઓછું લાગે એટલે ઘણા લોકો તરત જ ઉપરથી મીઠું છાંટીને ખાવાની આદત ધરાવે છે. જોકે, આ સામાન્ય લાગતી ટેવ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધારાનું મીઠું શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે.
ભોજન પર ઉપરથી મીઠું નાખવાની ટેવ કેમ નુકસાનકારક?
ભારતીય ભોજનમાં મીઠાનો ઉપયોગ પહેલેથી જ પૂરતા પ્રમાણમાં થાય છે. તેમ છતાં ઘણા લોકો શાક, દાળ, સલાડ કે અન્ય વાનગીઓ પર વધારાનું મીઠું ઉમેરીને ખાય છે. આ કારણે શરીરમાં જરૂરી કરતાં વધુ સોડિયમ પહોંચે છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
- બ્લડ પ્રેશર વધી શકે
વધુ મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે શરીરમાં પાણી જમા થવા લાગે છે. પરિણામે રક્તવાહિનીઓ પર દબાણ વધે છે અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. - હૃદય અને કિડની પર વધે ભાર
વધારાના સોડિયમને બહાર કાઢવા માટે કિડનીને વધુ મહેનત કરવી પડે છે. સતત વધારે મીઠાનું સેવન કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ હૃદય પર પણ વધારાનો ભાર પડે છે, જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. - સ્થૂળતા અને શરીરમાં સોજાની સમસ્યા
વધુ મીઠું શરીરમાં પાણી રોકી રાખે છે, જેના કારણે શરીરમાં સોજો આવી શકે છે અને વજન વધેલું લાગે છે. ઉપરાંત, વધુ ખારું ખોરાક ખાવાથી વારંવાર ભૂખ લાગે છે, જે સ્થૂળતાનું જોખમ વધારી શકે છે. - લાંબા ગાળે ગંભીર બીમારીઓનું જોખમ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં ઘણું વધુ મીઠું ખાય છે. વધુ સોડિયમનું સેવન હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, કિડનીની બીમારી અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ સાથે જોડાયેલું છે.
WHO શું કહે છે?
WHO અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ 2,000 મિલિગ્રામથી ઓછું સોડિયમ લેવું જોઈએ, જે અંદાજે એક ચમચી (5 ગ્રામ) મીઠા બરાબર થાય છે. જ્યારે ઘણા લોકો તેની સરખામણીએ લગભગ બમણું મીઠું રોજિંદા આહારમાં લઈ રહ્યા છે.
શું કરવું?
જો તમને ભોજનમાં વારંવાર ઉપરથી મીઠું ઉમેરવાની ટેવ હોય, તો તેને ધીમે-ધીમે ઘટાડવાનો પ્રયાસ કરો. સંતુલિત માત્રામાં મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદય તેમજ કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.




Leave a Comment