અમદાવાદ શહેરના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને કુલ ₹2,719.80 કરોડની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ 6 મોટા પ્રોજેક્ટ્સને મળી મંજૂરી
મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે નીચેના કામોનો સમાવેશ થાય છે:
- પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે – ₹852.93 કરોડ
- પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે – ₹551.35 કરોડ
- શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે – ₹290.24 કરોડ
- ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે – ₹215 કરોડ
- 125 TPD ક્ષમતાની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે – ₹479.25 કરોડ
- ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) માટે – ₹331.03 કરોડ
અમદાવાદને શું થશે ફાયદો?
આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ શહેરના ગટર નેટવર્કનું આધુનિકીકરણ થશે, જેના કારણે ગટર ઓવરફ્લો અને લીકેજ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે જ સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઈમ ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ગટરના સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ વિકાસને પ્રોત્સાહન આપશે.




Leave a Comment