નવી દિલ્હીની એપોલો હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ (હેડ એન્ડ નેક ઓન્કોલોજી)ના જણાવ્યા અનુસાર, હેડ એન્ડ નેક કેન્સર મોં, જીભ, પેઢા, ગાલના અંદરના ભાગ, હોઠ, ગળા, અવાજની પેટી (વોઇસ બોક્સ), નાક, સાઇનસ અને લાળ ગ્રંથીઓમાં થઈ શકે છે. જેમાંથી મોં અને ગળાનું કેન્સર ભારતમાં સૌથી વધુ જોવા મળે છે.
હેડ એન્ડ નેક કેન્સરના પ્રારંભિક લક્ષણો:
- મોંમાં એવો ઘા અથવા છાલો જે લાંબા સમય સુધી ન રુઝાય.
- અવાજ સતત બેસી જવો અથવા ભારે થઈ જવો.
- ખોરાક કે પાણી ગળતી વખતે દુખાવો અથવા તકલીફ થવી.
- ગળાના ભાગે કોઈ ગાંઠ કે સોજો આવવો.
- મોં પૂરતું ખોલવામાં તકલીફ પડવી.
- મોંમાંથી સતત લોહી આવવું કે દુર્ગંધ આવવી.
- સ્પષ્ટ કારણ વગર વજન ઘટવું.
- કાનમાં સતત દુખાવો રહેવો.
બેથી ત્રણ અઠવાડિયા માટે આ લક્ષણો રહે તો ચિંતાજનક
જો તમને આમાંથી કોઈપણ લક્ષણ બેથી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય માટે રહે છે, તો વિલંબ કર્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ લક્ષણોને સામાન્ય ઈન્ફેક્શન ગણીને અવગણવા ભારે પડી શકે છે.
ભારતમાં આ કેન્સર થવાના મુખ્ય કારણો:
- તંબાકુનું સેવન: સિગારેટ, બીડી, ગુટખા, ખૈની, પાન મસાલા વગેરેનું સેવન.
- દારૂ (આલ્કોહોલ) નું સેવન: અતિશય દારૂ પીવાની ટેવ.
- તંબાકુ અને દારૂનું એકસાથે સેવન: આ બંનેનું એકસાથે સેવન કરવાથી કેન્સરનું જોખમ અનેક ગણું વધી જાય છે.
- એચપીવી (HPV) ઈન્ફેક્શન: હ્યુમન પેપિલોમા વાયરસ ઈન્ફેક્શન, જે ખાસ કરીને ગળાના કેન્સર માટે જવાબદાર બને છે.
- ઓરલ હાઇજીનનો અભાવ: મોં અને દાંતની યોગ્ય સફાઈ ન રાખવી.
સમયસર નિદાનથી બચી શકે છે જીવ
આધુનિક તબીબી વિજ્ઞાનના કારણે આજે હેડ એન્ડ નેક કેન્સરની સારવાર પહેલા કરતાં ઘણી વધુ અસરકારક બની છે. જો રોગની શરૂઆતના તબક્કામાં જ ખબર પડી જાય તો સર્જરી, રેડિયોથેરાપી, કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઈમ્યુનોથેરાપી જેવી સારવાર પદ્ધતિઓથી ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. ઘણા દર્દીઓ યોગ્ય સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને સામાન્ય જીવન જીવી શકે છે.
બચાવ માટે શું કરવું?
- કોઈપણ સ્વરૂપે તંબાકુ કે સિગારેટનું સેવન ન કરવું.
- આલ્કોહોલનું સેવન ટાળવું અથવા મર્યાદિત કરવું.
- મોં અને દાંતની નિયમિત અને યોગ્ય સફાઈ રાખવી.
- લીલા શાકભાજી અને તાજા ફળો ધરાવતો પૌષ્ટિક આહાર લેવો.
- મોં કે ગળામાં કોઈ પણ અસામાન્ય ફેરફાર દેખાય તો તુરંત જ તબીબી તપાસ કરાવવી.




Leave a Comment