ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિવારે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરૂમાલા વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી)પહોંચેલા હાર્દિક પંડ્યાએ પોતાનું મુંડન (માથું મુંડાવીને)કરાવીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ ધાર્મિક યાત્રા દરમિયાન તેની ગર્લફ્રેન્ડ મહિમા શર્મા પણ તેની સાથે હાજર રહી હતી. બંને પરંપરાગત સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા.
કેમ કરાવ્યું મુંડન? બાલાજી મંદિરમાં છે ખાસ પરંપરા
તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અથવા ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ દર્શાવવા માટે વાળ દાન (મુંડન) કરતા હોય છે. હાર્દિક પંડ્યાએ પણ પોતાની ક્રિકેટ કારકિર્દીના આ મહત્વપૂર્ણ તબક્કે બાલાજીના ચરણોમાં વાળ દાન કરીને આશીર્વાદ માંગ્યા છે.
IPL-2026 પછીથી જ ક્રિકેટથી દૂર
હાર્દિક પંડ્યા IPL 2026 બાદથી જ સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. પહેલાં પીઠના દુખાવા અને ત્યારબાદ જાંઘની ઈજાના કારણે તે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝ, ઈંગ્લેન્ડ પ્રવાસ અને ઝિમ્બાબ્વે સામેની ટી-20 વન-ડે સિરીઝમાંથી પણ તેણે બહાર રહેવું પડ્યું હતું.IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળનાર હાર્દિક પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી શક્યો નહોતો. હવે ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે, ઈજામાંથી મુક્ત થઈને મેદાન પર કમબેક કરવા માટે જ તેણે બાલાજીના દરબારમાં શીશ નમાવ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) છોડવાની અટકળોએ જોર પકડ્યું
માત્ર ફિટનેસ જ નહીં પરંતુ, હાર્દિકના ક્રિકેટ ફ્યુચરને લઈને પણ અનેક અફવાઓ ગરમ છે. ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી છોડી શકે છે અથવા તો ટીમના મેનેજમેન્ટ દ્વારા કેપ્ટનશીપમાં ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 2015થી 2021 સુધી મુંબઈમાં રહ્યા બાદ તે ગુજરાત ટાઇટન્સમાં ગયો હતો અને 2024માં રોહિત શર્માની જગ્યાએ મુંબઈનો કેપ્ટન બન્યો હતો. 2024 અને 2025 બંને સીઝનમાં કેપ્ટનશીપને લઈને વિવાદો સર્જાયા હતા અને હવે ફરી એકવાર તેના MI છોડવાના સમાચાર ચર્ચાના કેન્દ્રમાં છે.




Leave a Comment