ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં મળેલી કારમી હાર અને પોતાની બેટિંગને લઈને થઈ રહેલી ટીકા બાદ બાબરે પોતાની રમત સુધારવા માટે ઘરેલુ ક્રિકેટનો રસ્તો પસંદ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ બાબર નિશાન પર
પાકિસ્તાનને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના પ્રદર્શન ઉપરાંત બાબર આઝમની બેટિંગ પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. શ્રેણીમાં તે જે રીતે આઉટ થયો તેને લઈને પણ તેની આંતરરાષ્ટ્રીય બેટિંગ ક્ષમતા પર ચર્ચા થઈ હતી. ખાસ કરીને બીજી ટેસ્ટમાં જોફ્રા આર્ચરના બોલ પર બાબરના આઉટ થવાની રીત ચર્ચાનો વિષય બની હતી.
7 વર્ષ બાદ કાયદ-એ-આઝમ ટ્રોફીમાં વાપસી
બાબર છેલ્લા કેટલાક સમયથી મોટી મેચોમાં સતત અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. જોકે, લાંબા સમયથી તે ઘરેલુ ક્રિકેટમાં રમતો જોવા મળ્યો ન હતો. હવે 2019 બાદ પ્રથમ વખત તે કાયદ-એ-આઝમ ટ્રોફીમાં રમશે. છેલ્લી વખત તેણે આ ટુર્નામેન્ટમાં પંજાબની ટીમનું નેતૃત્વ કર્યું હતું. સાત વર્ષ બાદ હવે તે OGDCL ટીમ તરફથી ટુર્નામેન્ટમાં વાપસી કરશે.
OGDCLએ બાબર રમશે તેની કરી પુષ્ટિ
પાકિસ્તાનની કંપની OGDCLએ બાબર આઝમને પોતાની ટીમમાં રમાડવાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ સાથે વાત કરતા કંપનીના સ્પોર્ટ્સ વિભાગના વડા ફરાહ બતુલે જણાવ્યું હતું કે બાબર 16 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડથી પાકિસ્તાન પરત ફરશે અને ત્યારબાદ ટીમ સાથે જોડાશે.
બાબર પોતે નક્કી કરશે ક્યારે રમવું
ફરાહ બતુલે સ્પષ્ટ કર્યું હતું કે બાબર ટીમ માટે ક્યારે રમશે તેનો અંતિમ નિર્ણય પોતે કરશે અને તે અંગે ટીમને જાણ કરશે. અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબરને OGDCL તરફથી ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની ઓફર કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. PCB ઇચ્છે છે કે તેના આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ નિયમિત રીતે ઘરેલુ ક્રિકેટમાં રમે, જેથી તેમની રમતની ખામીઓ પર કામ કરી શકાય અને પ્રદર્શન સુધારી શકાય.



