નવા નિયમોમાં ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઓર્ડિનરી પાસપોર્ટના પેજ અને વેલિડિટી અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાસપોર્ટ અરજી ફી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પાસપોર્ટ અરજી ફી અંગે પણ નિયમ બદલાયો
વિદેશ મંત્રાલયે પાસપોર્ટ એક્ટ, 1967 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ સુધારા નિયમો જાહેર કર્યા છે. G.S.R. 820(E) નંબરના નોટિફિકેશન દ્વારા પાસપોર્ટ રૂલ્સ, 1980ની બે જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાંથી એક ફેરફાર પાસપોર્ટ અરજીની ફીને લગતો છે. હવે પાસપોર્ટની દરેક અરજી માટે શેડ્યૂલ-IVમાં સંબંધિત કેટેગરી માટે નિર્ધારિત ફી લાગુ થશે. જોકે, આ નોટિફિકેશનમાં ફીની નવી રકમ જાહેર કરવામાં આવી નથી.
15 વર્ષથી નાના બાળકોને 36 પેજનો પાસપોર્ટ મળશે
નવા નિયમ હેઠળ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવતો ઓર્ડિનરી પાસપોર્ટ 36 પેજનો રહેશે. ઓર્ડિનરી પાસપોર્ટ એટલે સામાન્ય ભારતીય નાગરિકને વિદેશ પ્રવાસ માટે આપવામાં આવતો પાસપોર્ટ. આ સુધારા બાદ અંડર-15 બાળકોના સામાન્ય પાસપોર્ટમાં 36 પેજ રહેશે તેવી જોગવાઈ નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવી છે. આથી બાળકોના પાસપોર્ટની પેજ સંખ્યા અંગેની સ્થિતિ હવે વધુ સ્પષ્ટ બની છે.
બાળકોના પાસપોર્ટની વેલિડિટી પણ નક્કી
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકના પાસપોર્ટની વેલિડિટી ઈશ્યુ થયાની તારીખથી પાંચ વર્ષ સુધી અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રહેશે. આ બંનેમાંથી જે તારીખ પહેલાં આવશે, તે દિવસે પાસપોર્ટની વેલિડિટી પૂર્ણ થશે.
એટલે કે બાળક 18 વર્ષનું થાય તે પહેલાં પાંચ વર્ષની અવધિ પૂરી થઈ જાય તો પાસપોર્ટ ત્યાં સુધી જ માન્ય રહેશે. બીજી તરફ, પાંચ વર્ષ પૂર્ણ થાય તે પહેલાં બાળક 18 વર્ષનું થઈ જાય તો 18 વર્ષની ઉંમરે તેની વેલિડિટી પૂરી થશે. આ નવા નિયમો ખાસ કરીને બાળકોના પાસપોર્ટની પેજ સંખ્યા અને વેલિડિટી અંગેની અગાઉની સ્થિતિને વધુ સ્પષ્ટ બનાવે છે.



