સુરત શહેરમાં બાળકોમાં વધી રહેલી મોબાઇલની લતને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ-7ના 13 વર્ષીય વિદ્યાર્થીનું પોતાના ઘરે લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, બાળક સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો હતો. માતા-પિતાએ તેને મોબાઇલ બાજુએ મૂકી અભ્યાસ કરવા સમજાવતાં તે દુઃખી થઈ ગયો હતો. ત્યારબાદ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ધોરણ-7માં અભ્યાસ કરતો હતો
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી મૂળ ઓડિશાનો હતો અને પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. તે સુરત મહાનગરપાલિકાની શાળા નંબર-331માં ધોરણ-7માં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકમાત્ર દીકરો હોવાથી આ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
અભ્યાસ કરવા સમજાવતાં વ્યથિત થયો
પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળક છેલ્લા કેટલાક સમયથી મોબાઇલમાં વધુ સમય પસાર કરતો હતો. ઘટનાના દિવસે પણ તે મોબાઇલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા-પિતાએ તેને મોબાઇલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું.
સામાન્ય ઠપકો મળતાં બાળકને માઠું લાગી આવ્યું હતું. થોડા સમય બાદ તે પોતાના રૂમમાં ગયો અને દોરડાની મદદથી ફાંસો ખાઈ લીધો. પરિવારજનોને જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદનો તેમજ અન્ય પરિસ્થિતિઓના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Leave a Comment