ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા ઘેરાવ માટે રસ્તા પર ઉતરેલા હજારો પરીક્ષા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. જોકે, આ દરમિયાન એક અનોખો નજારો પણ જોવા મળ્યો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે પોલીસ દ્વારા વોટર કેનનનો મારો કરવામાં આવ્યો, પરંતુ વિદ્યાર્થીઓ ડરીને ભાગ્યા નહીં. તેના બદલે તેઓ પાણીની ધારામાં હાથ ઊંચા કરી અને ગમછા લહેરાવીને નાચવા લાગ્યા હતા.
વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા હજારો વિદ્યાર્થીઓ
રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી હજારો પરીક્ષા ઉમેદવારોનો કાફલો વિધાનસભા તરફ આગળ વધ્યો હતો. ધુરવા મોડ અને જગન્નાથપુર મંદિર પાસે પોલીસે ત્રણ સ્તરની બેરિકેડિંગ કરી રાખી હતી. વિદ્યાર્થીઓનો કાફલો બેરિકેડ સુધી પહોંચતા જ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ વધી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ શરૂ કર્યો હતો.
વોટર કેનન શરૂ થતાં જ વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ
પોલીસે પાણીનો મારો શરૂ કર્યો કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના અનેક ગ્રુપ પાણીની ધારામાં જ ઊભા રહી ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ એકબીજાના હાથ પકડીને સૂત્રોચ્ચાર કર્યા, તો કેટલાક ગમછા લહેરાવીને નાચવા લાગ્યા હતા. જોતજોતામાં ધુરવા મોડનો રસ્તો જાણે વોટર પાર્કમાં ફેરવાઈ ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓના આ અનોખા વિરોધનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.




Leave a Comment