Mirzapur The Movie નું સત્તાવાર ટ્રેલર મંગળવારે (11 ઓગસ્ટ) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની ધમાકેદાર વાપસી જોવા મળી રહી છે, જેણે ફેન્સનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ટ્રેલરમાં મિરઝાપુરની સત્તા, બદલો અને લોહીયાળ જંગનો નવો અધ્યાય દર્શાવવામાં આવ્યો છે.
3 મિનિટ લાંબા આ ટ્રેલરમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલૂ પંડિત વચ્ચે મિરઝાપુરની ગાદી અને વર્ચસ્વ માટેની ખતરનાક કહાની બતાવવામાં આવી છે. ‘ભૌકાલ લાઈક નેવર બિફોર’ ના વાયદા સાથે આવી રહેલી આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026 ના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે.
દમદાર ડાયલોગ્સ અને એક્શનથી ભરપૂર ટ્રેલર
ટ્રેલરની શરૂઆત એક ખાલી ગાદી અને પાવરફુલ વોઈસઓવર સાથે થાય છે- “ગાદી ન તો વારસાથી મળે છે, ન રાજકારણથી… મળે છે તો માત્ર ને માત્ર બાહુબળથી.” ટ્રેલરમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)નો એ જ જૂનો વટ અને રોફ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં પાત્રોને ખાસ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવ્યા છે-
કાલીન ભૈયા: ‘ધ કિંગ’, મુન્ના ભૈયા: ‘ધ પ્રિન્સ’, ગુડ્ડુ અને બબલૂ: ‘ધ લાયન્સ’. ટ્રેલરમાં અભિનેતા રવિ કિશનનો રોલ ખૂબ જ આક્રમક અને મનોરંજક દેખાઈ રહ્યો છે, જે ગોળીબાર વચ્ચે કટાક્ષ કરતા જોવા મળે છે. આ ઉપરાંત બીના ભાભી (રસિકા દુગલ) પણ આ પાવર ગેમમાં પોતાની રાજકીય ચાલ ચાલતી નજરે પડે છે.
બબલૂ પંડિતના રોલમાં જિતેન્દ્ર કુમાર
વેબ સિરીઝમાં બબલૂ પંડિતનો અભિનય કરનાર વિક્રાંત મેસીની જગ્યાએ ફિલ્મમાં અભિનેતા જિતેન્દ્ર કુમાર આ રોલ ભજવી રહ્યા છે. આ પહેલા મેકર્સે ફિલ્મના નવા પોસ્ટર્સ પણ રિલીઝ કર્યા હતા, જેમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને બબલૂ પંડિતનો જબરદસ્ત લુક સામે આવ્યો હતો.




Leave a Comment