વિસનગરના ત્રણ ટાવર વિસ્તારમાં આવેલી સન્માન જ્વેલર્સમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ અજાણી મહિલાઓની ટોળકીએ દુકાનદારનું ધ્યાન ભટકાવીને રૂ.2.50 લાખ રોકડ અને રૂ.7.02 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.9,52,400ની મત્તા ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો છે. વિસનગર પોલીસે ફરિયાદ નોંધી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે.
પહેલા ભગવાનને યાદ કર્યા, પછી બેગ ઉઠાવી લીધી
CCTVમાં કેદ થયેલા દ્રશ્યોમાં મહિલાઓની ચોરી કરવાની રીત સામે આવી છે. એક મહિલા ચોરી કરતાં પહેલાં ભગવાનની તસવીર સામે હાથ જોડીને દર્શન કરતી જોવા મળી હતી અને ત્યારબાદ તક મળતાં જ રોકડ તથા દાગીના ભરેલી બેગ ઉઠાવી લીધી હતી. આ દરમિયાન અન્ય બે મહિલાઓએ દુકાનમાં હાજર વૃદ્ધનું ધ્યાન વાતચીત અને વસ્તુઓ બતાવવાના બહાને બીજી તરફ દોરી રાખ્યું હતું. માત્ર થોડા જ મિનિટમાં ત્રીજી મહિલાએ તક ઝડપી બેગ પર હાથ સાફ કરી દીધો હતો.
બેગમાં રૂ.2.50 લાખ રોકડ અને રૂ.7.02 લાખના દાગીના
વિસનગરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને નટરાજ સ્ટુડિયો સામે સન્માન જ્વેલર્સ ચલાવતા પ્રકાશ દશરથલાલ પટેલ 8 ઓગસ્ટના રોજ સવારે દુકાને પહોંચ્યા હતા. તેઓ ઘરેથી કાળા રંગની બેગમાં રૂ.2.50 લાખ રોકડ તેમજ આશરે રૂ.7,02,400ની કિંમતના સોના-ચાંદીના દાગીના લઈને આવ્યા હતા. તેમણે બેગ દુકાનના ખૂણામાં તિજોરી નજીક મૂકી હતી.
85 વર્ષના વૃદ્ધ પિતાને દુકાનમાં એકલા મૂકીને ગયા હતા
પ્રકાશ પટેલના જણાવ્યા મુજબ, ઘટના સમયે તેમના 85 વર્ષીય પિતા દુકાનમાં હાજર હતા. સવારે આશરે 11 વાગ્યે પ્રકાશભાઈ મિત્ર સાથે વાસણની ખરીદી માટે બહાર ગયા હતા. તેમણે પિતાને સૂચના આપી હતી કે તેઓ પરત ન આવે ત્યાં સુધી કોઈ ગ્રાહકને દુકાનમાં વસ્તુ ન બતાવવી. જોકે, પિતાને ગરમી લાગતાં તેઓ દુકાનની અંદર આવીને બેસ્યા હતા. આ દરમિયાન સવારે આશરે 11:15થી 11:30 વાગ્યાની વચ્ચે ત્રણ અજાણી મહિલાઓ વસ્તુ ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી હતી.
વૃદ્ધે કહ્યું ‘મારો દીકરો આવે પછી આવજો’, છતાં મહિલાઓ હટી નહીં
મહિલાઓ દુકાનમાં આવી ત્યારે વૃદ્ધે તેમને જણાવ્યું હતું કે તેમનો દીકરો પરત આવે ત્યારે જ વસ્તુ બતાવવામાં આવશે. જોકે, મહિલાઓએ વાતને ટાળી દીધી અને વૃદ્ધને જ વસ્તુઓ બતાવવા માટે કહ્યું. આ દરમિયાન ત્રણેય મહિલાઓએ વાતચીતમાં વૃદ્ધને વ્યસ્ત રાખ્યા હતા. ત્યારબાદ તક મળતાં એક મહિલાએ દુકાનના ખૂણામાં મુકેલી બેગ ઉઠાવી લીધી હતી.
વેપારી પરત આવ્યા ત્યારે બેગ ગાયબ હતી
પ્રકાશ પટેલ દુકાને પરત ફર્યા ત્યારે તેમને બેગ નજરે ન પડતાં શંકા ગઈ. તેમણે પિતાને બેગ વિશે પૂછ્યું, પરંતુ તેમને ઘટનાની જાણ નહોતી. ત્યારબાદ દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. CCTVમાં ત્રણ મહિલાઓની સમગ્ર હરકત કેદ થઈ ગઈ હતી.




Leave a Comment