લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ચોરી કરવા ગયા ને જાતે જ પોલીસને ફોન કર્યો! ‘સાહેબ, અમે ચોરી કરવા આવ્યા હતા’ કહી ચોરોએ કરી કબૂલાત

by

Thenewsdk

Updated: 20-08-2026, 11.24 AM

Follow us:

વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોએ દુકાનની અંદર જ પૂરી દીધા હતા. બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતાં બંને ચોર ગભરાઈ ગયા અને અંતે પોતાનો બચાવ કરવા માટે જાતે જ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને તસ્કરોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલાં સાધનો અને આશરે રૂ. 18 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રિક કટરથી શટર કાપીને જ્વેલર્સના શોરૂમમાં ઘૂસ્યા
મળતી માહિતી મુજબ, 19 ઓગસ્ટની સાંજે સંજાણ બજારમાં આવેલી બી.જે. જ્વેલર્સ દુકાનના માલિક મનીષ શર્મા દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બે તસ્કરોએ જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવ્યો. બંને ચોરોએ ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરીને દુકાનના શટરના નકુચા કાપ્યા અને અંદર પ્રવેશ કર્યો હતો. તેમને લાગ્યું હતું કે કોઈને જાણ નહીં થાય અને સરળતાથી ચોરી કરીને ફરાર થઈ જશે.

કટરના અવાજથી સ્થાનિક જાગી ગયા
જો, કે તસ્કરોની આ યોજના લાંબો સમય ગુપ્ત રહી શકી નહીં. શટર કાપતી વખતે ઇલેક્ટ્રિક કટરનો અવાજ સાંભળીને સામે રહેતા નિખિલભાઈ જાગી ગયા હતા. તેમણે તાત્કાલિક દુકાનમાલિકના મિત્ર આકાશભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી.

ત્યારબાદ આકાશભાઈએ જ્વેલર્સના માલિક મનીષ શર્માને જાણ કરી હતી. માહિતી મળતાં મનીષ શર્મા પોતાના ભાઈ નિરજ સાથે દુકાન તરફ દોડી આવ્યા હતા. દરમિયાન આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

સ્થાનિકોએ શટર બહારથી બંધ કરી ચોરોને અંદર જ પૂરી દીધા
સ્થાનિકોએ શટર અડધું ખુલ્લું જોયું હતું. તપાસ કરતાં દુકાનની અંદર બે શખસ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ લોકોએ સમયસૂચકતા વાપરીને શટર બહારથી બંધ કરી દીધું હતું.

આમ, ચોરી કરવા આવેલા બંને તસ્કરો જ દુકાનની અંદર કેદ થઈ ગયા હતા. થોડી જ વારમાં બહાર લોકોનું મોટું ટોળું ભેગું થયું હોવાનું તસ્કરોને અંદરથી ખબર પડી હતી. પકડાઈ જવાના અને લોકોના મારના ડરથી બંને ગભરાઈ ગયા હતા.

ડરના માર્યા તસ્કરોએ જ 112 પર ફોન કરી પોલીસ બોલાવી
ચોરી કરવા આવેલા બંને શખસોએ આખરે એવું પગલું ભર્યું કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. દુકાનમાં પુરાઈ ગયેલા તસ્કરોએ પોતે જ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી.

એટલું જ નહીં, તેમણે પોલીસ સમક્ષ ચોરી કરવા આવ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. આમ, ચોરીનો પ્લાન બનાવનારા તસ્કરો પોતે જ પોલીસને બોલાવીને પોતાની મુશ્કેલીનો ઉકેલ શોધવા મજબૂર બન્યા હતા.

પોલીસે બંને તસ્કરોને ઝડપી લીધા
ઘટનાની જાણ થતાં નાઈટ પેટ્રોલિંગમાં રહેલી ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સંજાણ બજારમાં પહોંચી હતી. પોલીસે શટર ખોલીને દુકાનમાં પુરાયેલા બંને તસ્કરોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, ચોરીના સાધનો,

સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ આશરે રૂ. 18 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરીને બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોની સતર્કતાને કારણે જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરી થતી અટકી ગઈ હતી અને ચોરી કરવા આવેલા બંને તસ્કરો પણ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤