વડોદરા શહેરના મધ્યસ્થ દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં બનેલી શંકાસ્પદ ઘટનાએ સમગ્ર રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી મળેલા યુવકોની મોડી રાત્રિની હોટેલ મિટિંગ એક યુવકના અચાનક અને રહસ્યમય મોત સાથે કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ.
પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ આ કેસમાં એક પછી એક નવા અને ચોંકાવનારા વળાંકો સામે આવી રહ્યા છે, જેણે આ ઘટનાને માત્ર એક સામાન્ય અકસ્માત કરતાં ગંભીર રહસ્ય તરફ ધકેલી દીધી છે.
શું હતી ઘટનાની શરૂઆત અને રૂમ બદલવાની કહાની?
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવકો ગ્રાન્ડર (Grindr) જેવી ડેટિંગ એપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ઘટનાની રાત્રે આશરે 3 વાગ્યે તેઓ દાંડિયાબજાર સ્થિત હોટેલ વિન્ટેજ ઇન ખાતે પહોંચ્યા હતા અને તેમને રૂમ નંબર 304 ફાળવવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે, રૂમમાં પ્રવેશ્યા બાદ અચાનક લાઈટ ટ્રિપ થઈ જવાથી અંધારું થઈ ગયું હતું. અંધારામાં વૉશરૂમ તરફ જતી વખતે યુવક અચાનક લપસીને પડી ગયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું પ્રાથમિક સ્તરે ચર્ચાયું હતું. આ મુશ્કેલી બાદ હોટેલ સ્ટાફની મદદથી તેમને બાજુના રૂમ એટલે કે રૂમ નંબર 302માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ત્રીજા યુવકની એન્ટ્રી અને અનેક વણઉકેલ્યા સવાલો
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસમાં એ સાબિત થયું કે, રૂમમાં માત્ર બે નહીં પરંતુ ત્રીજો યુવક પણ હાજર હતો. રાત્રિના સુમારે ત્રીજા વ્યક્તિને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો, જે થોડો સમય રોકાયા બાદ ત્યાંથી નીકળી ગયો હતો.
આ ઉપરાંત, યુવકો દ્વારા કોઈ નશીલા પદાર્થ અથવા વાયગ્રા જેવી પ્રોડક્ટ્સના સેવનની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ બન્યાના અંદાજે ત્રણ કલાક બાદ સવારે 6:30થી 7:00 વાગ્યાની આસપાસ હોટેલ સ્ટાફને જાણ કરવામાં આવી અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.




Leave a Comment