ગુજરાતના હીરા ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સુરત શહેરમાંથી એક અત્યંત અવિશ્વસનીય અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સવારથી સાંજ સુધી સિલાઈ મશીન પર મહેનત કરતા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ ઠાડા પર આવકવેરા વિભાગ દ્વારા અચાનક ₹975 કરોડની જંગી ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે.
જે વ્યક્તિએ આખી જિંદગીમાં ક્યારેય ગુજરાતની ધરતી પર પગ પણ નથી મૂક્યો, તે વ્યક્તિને સુરતની એક ખ્યાતનામ શેલ કંપનીનો ‘ડાયમંડ ડિરેક્ટર’ દર્શાવી દેવામાં આવતા આખો પરિવાર ડાઈ ગયો છે. આ મામલો માત્ર એક ટેક્સ એરરનો નથી પરંતુ, કોઈ હાઈ-પ્રોફાઈલ ભેજાબાજ દ્વારા આચરવામાં આવેલી ગંભીર દસ્તાવેજી છેતરપિંડી તરફ ઈશારો કરે છે.
ડાયમંડ કંપની નીકળી ગોલાના મશીનનું વર્કશોપ
ડાયમંડ કંપનીના રજિસ્ટર્ડ સરનામે જ્યારે વાસ્તવિકતા તપાસવામાં આવી, ત્યારે ખબર પડી કે ત્યાં કોઈ ડાયમંડ કંપની કે ઓફિસ નહોતી, પરંતુ ‘શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ’ ધમધમી રહ્યું છે. મકાનમાલિકના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ 1997થી આ મકાનમાં રહે છે અને અહીં જરીના મશીન તથા બરફના ગોલા (Ice Gola) બનાવવાના સાધનો રિપેરિંગ કરવાનું નાનું કામ કરે છે.
આ જગ્યાએ ક્યારેય કોઈ ડાયમંડ કંપની અસ્તિત્વમાં જ નથી. આમ છતાં, કાગળ પર આ સરનામાનો દુરુપયોગ કરીને કરોડોના હવાલા પાડી દેવામાં આવ્યા છે.
એક નહીં, બે-બે બોગસ કંપનીઓમાં દર્શાવાયા ડિરેક્ટર
આ મામલે જ્યારે પરિવાર દ્વારા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની મદદથી MCAના ડેટાની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે રેખરાજ માત્ર ‘રૂપ રજત ડાયમંડ’ જ નહીં, પરંતુ સુરતની જ બીજી એક કંપની ‘જય બાબેરી ડાયમ પ્રાઇવેટ લિમિટેડ’ માં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે.
કોઈપણ ફિઝિકલ વેરિફિકેશન વગર માત્ર ખોટા ઓળખ પુરાવાઓ, નકલી ભાડા કરાર અને ડિજિટલ દસ્તાવેજો અપલોડ કરીને આ શેલ કંપનીઓ ઊભી કરી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
₹2500 કરોડના ટ્રાન્ઝેક્શન અને ₹975 કરોડનો ટેક્સ બોજ
એક્સપર્ટના વિશ્લેષણ મુજબ, આ કેસ નાણાકીય વર્ષ 2012-13નો છે. કંપનીના બેંક ખાતાઓમાં અંદાજે ₹2250થી ₹2500 કરોડ સુધીના શંકાસ્પદ બોગસ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
આ આર્થિક વ્યવહારોના આધારે આવકવેરા વિભાગે કલમ-179 હેઠળ અંદાજે ₹750 કરોડ ટેક્સ અને ₹225 કરોડ પેનલ્ટી સહિત કુલ ₹975 કરોડની માતબર રકમ ભરવાની નોટિસ પાઠવી છે.




Leave a Comment