અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી અંદાજે 61 લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 16 દર્દીઓમાંથી 10ની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. શનિવારે, 22 ઓગસ્ટે વધુ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે. બીજી તરફ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 21 લોકો સામે ગુના નોંધ્યા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મોત, હોસ્પિટલોમાં ચિંતા વધી
ઝેરી દારૂ પીધા બાદ ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક હરેશ કિલજી, ઉંમર 35 વર્ષ,નું દારૂ પીધાના પાંચમા દિવસે મોત થયું હતું. આ ઉપરાંત ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા અવિનાશ પરમારનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને દર્દીઓની તબિયત ઝેરી દારૂ પીધા બાદ ગંભીર રીતે બગડી હતી અને સારવાર છતાં તેમને બચાવી શકાયા નહોતા.
સુરતમાં બ્રેઈનડેડ જાહેર થયેલા સંજયસિંહનું હૃદય બંધ થતાં મૃત્યુ
મૂળ ભાવનગર જિલ્લાના પાલિયાદના વતની અને સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય સંજયસિંહ ડોડિયાની પણ ઝેરી દારૂ પીધા બાદ તબિયત ગંભીર રીતે લથડી હતી. હાલત વધુ નાજુક બનતાં તેને સુરતની ભટોદરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. 22 ઓગસ્ટે અચાનક તેનું હૃદય બંધ થઈ જતાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
21 આરોપીઓ સામે કેસ, 13ની ધરપકડ અને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ
પોલીસ તપાસમાં નકલી દારૂકાંડ સાથે સંકળાયેલા કુલ 21 આરોપીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લઈને તેમની પૂછપરછ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. તપાસમાં નકલી દારૂનું ઉત્પાદન, સપ્લાય ચેઇન અને આ ગેરકાયદે કારોબાર સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મુખ્ય આરોપી રઈશને 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ, મોટા ખુલાસાની શક્યતા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નકલી દારૂકાંડના મુખ્ય આરોપી રઈશને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે તેને 31 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે.
હવે પૂછપરછ દરમિયાન ઝેરી દારૂ ક્યાંથી મેળવવામાં આવ્યો, તેનું ઉત્પાદન કેવી રીતે થયું, સપ્લાય નેટવર્ક કોણ ચલાવતું હતું અને આ ગેરકાયદે ધંધાને કોનું રક્ષણ મળતું હતું તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે. તપાસ આગળ વધતાં આ કેસમાં અન્ય મોટા નામો અને મહત્વપૂર્ણ વિગતો સામે આવવાની શક્યતા છે.




Leave a Comment