તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ ‘અમૂલ’ (Amul)ના લેક્ટોઝ-ફ્રી મિલ્કના નવા પેકેજિંગને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક કન્ટેન્ટ ક્રિએટરે દૂધનું પેકેટ સ્હેજ ફૂગેલું અને કલર અલગ જણાતાં તેનો વીડિયો શેર કરીને ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.
આ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ચિંતા ફેલાઈ હતી, જેના પરિણામે છેવટે અમૂલ કંપનીએ જાતે આગળ આવીને પેકેજિંગમાં થઈ રહેલા ફેરફારો અંગે ટેકનિકલ સ્પષ્ટતા કરવી પડી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
ઇન્સ્ટાગ્રામ પર ત્રિશાંગ શેટ્ટી નામના કન્ટેન્ટ ક્રિએટરે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, તેણે ખરીદેલું અમૂલ લેક્ટોઝ-ફ્રી મિલ્કનું પેકેટ સ્હેજ ફૂગેલું (puffed) લાગી રહ્યું છે. સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સના પેકેટ પર ફૂગેલું પેકેટ ખરીદવું નહીં (Do not buy if puffed) એવી ચેતવણી લખેલી હોય છે. આ સૂચના જોઈને ક્રિએટરને શંકા ગઈ કે દૂધ ખરાબ કે બગડી ગયેલું હોઈ શકે છે. આ ઉપરાંત પેકેટ પરના બ્લૂ કલરનો શેડ પણ બદલાયેલો જણાતો હતો. આ વીડિયો જોતજોતામાં વાયરલ થયો અને યુઝર્સે ગુણવત્તા પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.
અમૂલ કંપનીએ કરી ટેક્નિકલ સ્પષ્ટતા
વિવાદ વધતાં જ અમૂલની ટીમે પોતે કન્ટેન્ટ ક્રિએટર ત્રિશાંગનો સંપર્ક કર્યો હતો અને પેકેજિંગમાં થઈ રહેલા આધુનિકીકરણ વિશે વિગતવાર માહિતી આપી હતી.
- SIG ટેકનોલોજી તરફ શિફ્ટિંગ: અમૂલે સ્પષ્ટ કર્યું કે કંપની હાલ જૂની ‘ટેટ્રા’ (Tetra Pak) ટેકનોલોજીમાંથી નવી જર્મન ‘SIG’ (SIG Packaging Technology) તરફ શિફ્ટ થઈ રહી છે. નવી SIG ટેકનોલોજીવાળા પેકેટની ડિઝાઈન જ એવી રીતે બનાવવામાં આવી છે કે તે સંપૂર્ણ ભરેલું અને સ્હેજ ફૂગેલું (boxy & puffed) દેખાય છે, જેનાથી દૂધ બગડી ગયું હોવાની ગેરસમજ ઊભી થઈ હતી.
- કલર અને મેટ ફિનિશ: પેકેટના કલરમાં ફેરફાર અંગે કંપનીએ જણાવ્યું કે, નવા SIG પેકેજિંગ મટિરિયલમાં ‘મેટ ફિનિશ’ (Matte Finish) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે બ્લૂ રંગનો શેડ જૂના ગ્લોસી પેકેટ કરતાં થોડો અલગ દેખાય છે.
ઓનલાઈન ડિલિવરી અંગે ડાયરેક્ટ સપ્લાયની ગેરંટી
ગ્રાહકોની સુરક્ષા અંગે વધુ માહિતી આપતાં કંપનીએ જણાવ્યું કે, બ્લિંકિટ (Blinkit), સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) અને ઝેપ્ટો (Zepto) જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર આ પ્રોડક્ટ્સ ડાયરેક્ટ અમૂલના સપ્લાય ચેઈન પ્લાન્ટમાંથી જ ડિલિવર થાય છે. આથી વચ્ચે કોઈ ભેળસેળ કે ગુણવત્તા સાથે ચેડાં થવાની કોઈ શક્યતા રહેતી નથી.
ક્રિએટરે માફી માંગી વીડિયો પર આપી સ્પષ્ટતા
અમૂલ કંપની તરફથી વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિગતો સામે આવ્યા બાદ કન્ટેન્ટ ક્રિએટર ત્રિશાંગ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોતાની ગેરસમજ સ્વીકારી હતી. તેણે ખુલાસો કર્યો કે, પેકેટ બગડેલું નહોતું પરંતુ માત્ર નવી પેકેજિંગ ડિઝાઈનને કારણે આ ફેરફાર દેખાતો હતો અને તેણે પોતાના ફોલોઅર્સ સમક્ષ આ બાબતે માફી પણ માંગી હતી.
લેક્ટોઝ-ફ્રી મિલ્ક શું છે?
લેક્ટોઝ એ દૂધમાં કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતી એક પ્રકારની સુગર (શર્કરા) છે.
- લેક્ટોઝ ઇન્ટોલરન્સ: ઘણા લોકોને દૂધ પીધા પછી પેટમાં દુખાવો, ગેસ કે એસિડિટી જેવી તકલીફો થાય છે, જેને ‘લેક્ટોઝ ઇન્ટોલરન્સ’ કહેવાય છે.
- એન્ઝાઇમ પ્રોસેસિંગ: અમૂલ લેક્ટોઝ-ફ્રી મિલ્કમાં ‘લેક્ટેઝ’ (Lactase) નામનો એન્ઝાઇમ ઉમેરીને દૂધમાંથી લેક્ટોઝને બ્રેકડાઉન કરવામાં આવે છે, જેથી જે લોકો દૂધ પચાવી શકતા નથી તેઓ પણ કેલ્શિયમ અને પ્રોટીન મેળવવા માટે આ દૂધનો સુરક્ષિત ઉપયોગ કરી શકે છે.




Leave a Comment