આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) વાહનોની હેડલાઈટ, હાઈ-બીમ અને ભારે વાહનોની વિઝિબિલિટી અંગેના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાનો પ્રસ્તાવ
નવા ડ્રાફ્ટ પ્રસ્તાવમાં વાહનોની હેડલાઈટની મહત્તમ રોશનીની તીવ્રતા ઘટાડવાની વિચારણા કરવામાં આવી છે.
- ટુ-વ્હીલર: હાલની મર્યાદા 1.5 લાખ કેન્ડેલા → સૂચિત મર્યાદા 1 લાખ કેન્ડેલા
- ફોર-વ્હીલર: હાલની મર્યાદા 2.25 લાખ કેન્ડેલા → સૂચિત મર્યાદા 1.5 લાખ કેન્ડેલા
આ ફેરફારનો મુખ્ય હેતુ સામેથી આવતા વાહનોની હેડલાઈટથી થતી ચમક અને ડ્રાઇવિંગ દરમિયાન થતી અસુવિધા ઘટાડવાનો છે.
શહેરમાં બિનજરૂરી હાઈ-બીમ ચાલુ કરશો તો ઓડિયો એલર્ટ
નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમનો ઉપયોગ કરશે તો વાહનની અંદરથી ઓડિયો ચેતવણી આપવામાં આવી શકે છે. જો, કે હાઈવે પર વધુ ઝડપે વાહન ચલાવતી વખતે આ ચેતવણીથી ડ્રાઇવરને ખલેલ ન પડે તે માટે 60 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે આ એલર્ટ બંધ રાખવાની જોગવાઈ સૂચવવામાં આવી છે.
નવા ટુ-વ્હીલરમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર? નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ સિસ્ટમ માત્ર લો-બીમ પર કામ કરે તેવો નિયમ પણ લાગુ થઈ શકે છે. જોકે, આ જોગવાઈ હાલ રસ્તા પર દોડી રહેલા જૂના વાહનો પર લાગુ નહીં થાય.
6500 Kelvinથી વધુ કલર ટેમ્પરેચરવાળી લાઈટ પર નિયંત્રણ
આફ્ટરમાર્કેટમાં મળતી ખૂબ જ તેજ સફેદ અને વાદળી રંગની LED હેડલાઈટને લઈને પણ નિયમો કડક કરવાની તૈયારી છે. પ્રસ્તાવમાં હેડલાઈટના કલર ટેમ્પરેચરને મહત્તમ 6500 Kelvin સુધી મર્યાદિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેનો હેતુ અત્યંત તેજ અને આંખોને અસુવિધા આપતી લાઈટના ઉપયોગ પર નિયંત્રણ લાવવાનો છે.
બસ અને ટ્રકો પર રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત થઈ શકે
ધુમ્મસ, વરસાદ, અંધારું અથવા ખરાબ હવામાન દરમિયાન મોટા વાહનો દૂરથી સ્પષ્ટ દેખાય તે માટે બસો અને ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવાનું ફરજિયાત કરવામાં આવી શકે છે. આ ટેપના કારણે પાછળથી અથવા બાજુથી આવતા વાહનચાલકોને મોટા વાહનોની હાજરી ઝડપથી ધ્યાનમાં આવી શકે છે.
નવા નિયમો ક્યારે લાગુ થશે?
પરિવહન મંત્રાલયે આ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ, ઓટોમોબાઈલ કંપનીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવ્યા છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ આગામી એપ્રિલથી આ નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના હોવાનું જણાવાયું છે. આ હાલમાં પ્રસ્તાવિત નિયમો છે. અંતિમ નોટિફિકેશન અને તેમાં કરવામાં આવનારા ફેરફારો બાદ જ ચોક્કસ જોગવાઈઓ સ્પષ્ટ થશે.




Leave a Comment