30 ઓગસ્ટની રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ભાવેશ ઝીલિયા પોતાની ફોર્ચ્યુનર કાર (GJ-05-RX-5754)માં મિત્રો સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન માધવી પાર્લર નજીક સફેદ કલરની, નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખસોએ તેમની કારને ડ્રાઈવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. હુમલાખોરોએ કાર રિવર્સ લઈને સતત બેથી ત્રણ વખત ટક્કરો મારી હતી.
ત્યારબાદ સ્કોર્પિયોમાંથી અજાણ્યા ઈસમે જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ભાવેશના ડાબા હાથના પંજા પર ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ સ્કોર્પિયો ચાલક સાગરીતો સાથે નાગલપુર તરફ ભાગી છૂટ્યો હતો.
ફરિયાદ કરવા પહોંચેલા ભાવેશની ફોર્ચ્યુનરમાંથી મળ્યા હથિયારો
ઈજાગ્રસ્ત ભાવેશ ઝીલિયા પોતાના મિત્ર વિપુલ સાથે તાત્કાલિક મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને હુમલા અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ભાવેશની ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં તેમાંથી 1 બ્લેક કલરની રિવોલ્વર, 6 જીવતા કારતૂસ (કારતુસ) અને એક ધારદાર છરો મળી આવ્યો હતો.
પોલીસે વિલંબ કર્યા વિના ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહેસાણા પોલીસે હાથ ધરી આંતરરાજ્ય તપાસ
મહેસાણા બી ડિવિઝન પોલીસે સ્કોર્પિયોના અજાણ્યા ચાલક અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC/BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
આ સાથે જ, ફરિયાદી ભાવેશ ઝીલિયા સામે પણ ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં સીસીટીવી ફુટેજ મેળવીને સ્કોર્પિયો કઈ તરફ ભાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગુનાહિત ઈતિહાસ અને અસામાજિક તત્વો અંગે વિશેષ માહિતી
‘મસ્તાની ગેંગ’ અને સ્થાનિક વર્ચસ્વની લડાઈ: ભાવેશ ઝીલિયા અને તેની ‘મસ્તાની ગેંગ’ ઉત્તર ગુજરાત અને મહેસાણા પંથકમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ, વ્યાજખોરી અને દાદાગીરી માટે જાણીતી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના બે સ્થાનિક ગુનાહિત જૂથો વચ્ચે વર્ચસ્વ જમાવવાની અને જૂની અદાવતનું પરિણામ હોવાની આશંકા છે.




Leave a Comment