હવામાન વિભાગે કરી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહિસાગરમાં સવારે ધીમીધારે વરસાદ નોંધાયો હતો. આવતીકાલે 13 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.
12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદનું જોર વધવાની શક્યતા
13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી
14 સપ્ટેમ્બરે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરે વલસાડ, દમણ તથા દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 શહેરોમાં તાપમાન 35°C કે તેથી વધુ
રાજ્યના દરિયાકાંઠાના શહેરો દીવ, વેરાવળ, દ્વારકા અને દમણમાં સરેરાશ તાપમાન 31°Cથી 33°C વચ્ચે રહ્યું હતું. જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસામાં તાપમાન 36°Cને પાર ગયું હતું. રાજ્યના મુખ્ય શહેરોના તાપમાનમાં 5.6°Cનો તફાવત નોંધાયો હતો, જેમાં ભુજમાં 36.6°C અને દીવમાં 31.0°C તાપમાન નોંધાયું હતું.



