પાન-ઈન્ડિયા અને પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં લાંબા સમયથી ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ભવ્ય ફિલ્મનો મ્યુઝિકલ પ્રમોશનલ કેમ્પેઇન ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર શરૂ કરવામાં આવ્યો છે.
14 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે ફિલ્મનું પ્રથમ ‘સિયા રામ’ પોસ્ટર જારી કરવામાં આવ્યું હતું. તેના થોડા જ સમય બાદ ફિલ્મનું પ્રથમ ગીત ‘જય જય રામ’ રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ શુભ કાર્યની જેમ આ ફિલ્મનું મ્યૂઝિક કેમ્પેઈન પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ સાથે શરૂ કરવામાં આવી છે.
એ.આર. રહેમાનનું સંગીત અને અરિજિત-શ્રેયાની સુરીલી જુગલબંધી
ફિલ્મના આ પ્રથમ ભક્તિ ગીત ‘જય જય રામ’ને સંગીત ક્ષેત્રના દિગ્ગજો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને આ ગીતનું કમ્પોઝિશન કર્યું છે, જ્યારે તેના ભક્તિમય શબ્દો જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે.
આ ભાવપૂર્ણ ગીતને દેશના લોકપ્રિય ગાયકો અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. અગાઉ પણ અનેક ભાવનાત્મક અને હિટ ગીતો આપી ચૂકેલી આ જોડીની જુગલબંધીએ આ ગીતમાં એક ખાસ ઊર્જા અને દિવ્યતા ભરી દીધી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ગીતની પ્રશંસા થઈ રહી છે.
રણબીર કપૂર, સાઈ પલ્લવીથી લઈને યશ સુધીની ભવ્ય સ્ટારકાસ્ટ
નિતેશ તિવારીની આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં નજરે પડશે.
આ સિવાય સાઉથ સુપરસ્ટાર યશ રાવણનું દમદાર પાત્ર ભજવશે. અન્ય કલાકારોમાં રવિ દુબે લક્ષ્મણના રોલમાં અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આ વિશાળ અને વૈવિધ્યસભર સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ અગાઉથી જ દેશભરમાં ભારે ચર્ચામાં છે.
એ.આર. રહેમાન અને હોલીવુડના હંસ ઝિમરનો આંતરરાષ્ટ્રીય સહયોગ
‘રામાયણ’ ફિલ્મને માત્ર ભારતીય દર્શકો પૂરતી મર્યાદિત ન રાખતા ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. તેના બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું યોગદાન જોવા મળશે.
એ.આર. રહેમાનની સાથે હોલીવુડના સુપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર હંસ ઝિમર પણ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું આ સંગીત સંયોજન ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે એવી અપેક્ષા સેવાઈ રહી છે.



