આ ઉત્સુકતા વચ્ચે સોશિયલ મીડિયા પર ફિલ્મની સેટ પરથી હોવાનો દાવો કરતી એક કથિત લીક તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાઓનો દૌર શરુ થઈ ગયો છે. આ ફોટોમાં ઊંચા-ઊંચા ભવ્ય મંદિરો અને પ્રાચીન સ્થાપત્યો વચ્ચે એક ડાયનાસોર જેવો ભયાનક જીવ ઊભેલો દેખાય છે. સેટની વિશાળતા જોઈને ફૅન્સ ચકિત થઈ ગયા છે અને દરેકના મનમાં એક જ સવાલ છે કે, રાજામૌલી આ વખતે કયા સ્તરનું સાહસ રચી રહ્યા છે.
અસલી સેટનો લીક કે AIની કમાલ?
વાયરલ થઈ રહેલી તસવીરમાં ઐતિહાસિક યુગના જીવ જેવી સંરચનાઓ અને મંદિરની આસપાસ ક્રૂ મેમ્બર્સ તથા કલાકારો નજરે પડે છે. આ ફોટો જોતાં જ યુઝર્સે અલગ-અલગ અટકળો લગાવવાનું શરૂ કર્યું છે.
કેટલાક નેટિઝન્સ આને રામોજી ફિલ્મ સિટી ખાતે તૈયાર કરાયેલા વાસ્તવિક સેટનો લીક થયેલો હિસ્સો ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે આ તસવીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલું ફેન-આર્ટ હોઈ શકે છે. ફિલ્મ પ્રોડક્શન હાઉસ કે મેકર્સ તરફથી આ વાયરલ ઈમેજ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.
ટાઈમ-ટ્રાવેલ, રામાયણ અને સ્પેસ મિશનની વાર્તાનું સસ્પેન્સ
‘વારાણસી’ ફિલ્મ વિશેની વાર્તાના અહેવાલો મુજબ આ એક ગ્લોબ-ટ્રોટિંગ એક્શન-એડવેન્ચર અને ટાઈમ-ટ્રાવેલ ડ્રામા છે. સ્ટોરીમાં પૃથ્વી તરફ આવી રહેલા એક વિનાશક એસ્ટરોઈડ અને પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓનો ખાસ સમન્વય બતાવવામાં આવશે. ફિલ્મમાં મહેશ બાબુ ‘રુદ્ર’, પ્રિયાંકા ચોપરા ‘મિલિન્દ’ / ‘મંદાકિની’ અને પૃથ્વીરાજ સુકુમારન ‘કુંભ’ (વિલન) તરીકે જોવા મળશે. રાજામૌલીએ સંકેત આપ્યો હતો કે, ફિલ્મની કેટલીક મહત્ત્વપૂર્ણ સીક્વન્સ રામાયણના પ્રસંગોથી પ્રેરિત છે, જે દર્શકોને પ્રાચીન ત્રેતાયુગથી લઈને ભવિષ્યના ટાઈમલાઈન સુધીની યાત્રા કરાવશે.



