લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

લગ્નની કંકોત્રી બની ‘લૂંટનો વોરંટ’! WhatsApp પર એક ક્લિક અને મણિનગરના વૃદ્ધના રૂ. 15.45 લાખ ગાયબ

by

Thenewsdk

Updated: 17-09-2026, 04.20 PM

Follow us:

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધના વોટ્સએપ પર એક પરિચિત વ્યક્તિના નંબર પરથી મેસેજ આવ્યો હતો.

આ મેસેજમાં લગ્નની ડિજિટલ કંકોત્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને સાથે એક APK (એપ્લિકેશન) ફાઈલ જોડવામાં આવી હતી. સામાન્ય રીતે આપણને પરિચિત વ્યક્તિ તરફથી કોઈ મેસેજ આવે તો આપણે તેના પર સહેજે શંકા કરતા નથી.

આ જ વિશ્વાસના કારણે વૃદ્ધે તે ફાઈલ ડાઉનલોડ કરીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાઈલ ઓપન થતાં જ તેમને કંઈક શંકાસ્પદ લાગતાં તેમણે તરત જ તે બંધ કરી દીધી હતી. પરંતુ, કમનસીબે ત્યાં સુધીમાં મોબાઈલમાં વાઈરસ ઈન્સ્ટોલ થઈ ચૂક્યો હતો અને હેકર્સે તેમના ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો.

એક મહિના બાદ અચાનક મોટો ખેલ થયો
આ ઘટનાના આશરે એક મહિના બાદ જ્યારે આ વૃદ્ધ ધ્રાંગધ્રા ગયા હતા, ત્યારે તેમના મોબાઈલ પર અચાનક એક પછી એક અનેક OTP (વન ટાઈમ પાસવર્ડ) ના મેસેજ આવવા લાગ્યા હતા.

વારંવાર આવતા મેસેજ જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી કે બેંક ખાતામાં કંઈક ગડબડ થઈ રહી છે. તેમણે તુરંત જ અમદાવાદમાં રહેતા તેમના પત્નીને ફોન કરીને બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ, તે સમયે બેંકમાં હડતાળ ચાલતી હોવાના કારણે સળંગ બે દિવસ સુધી પાસબુકમાં પ્રિન્ટ થઈ શકી નહોતી.

26 ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતું સફાચટ થઈ ગયું
જેવી બેંકની હડતાળ પૂરી થઈ કે તરત જ પરિવારજનોએ બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી કરાવી હતી. પાસબુકની પ્રિન્ટ જોતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સાયબર ઠગોએ વૃદ્ધના બેંક ખાતામાંથી કુલ 26 જેટલા અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 15.45 લાખ પડાવી લીધા હતા અને રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. હેકર્સે મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો હોવાથી તેમને તમામ બેંક ડિટેલ્સ અને OTP સીધા મળી રહ્યા હતા.

પરિચિતનો ફોન પણ અગાઉથી હેક થયેલો હતો
આ સમગ્ર મામલે જ્યારે પીડિત વૃદ્ધે કંકોત્રી મોકલનાર તેમના પરિચિત વ્યક્તિનો સંપર્ક કર્યો, ત્યારે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે પરિચિત વ્યક્તિએ જણાવ્યું કે તેમનો મોબાઈલ ફોન પણ અગાઉ હેક થઈ ગયો હતો.

સાયબર ક્રિમીનલ્સે તેમના ફોનનો કંટ્રોલ મેળવીને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ લોકોને આ વાઈરસયુક્ત APK ફાઈલ મોકલી આપી હતી.

આ રીતે હેકર્સે પરિચિતના નામે વિશ્વાસ કેળવીને અન્યોને પણ પોતાના શિકાર બનાવ્યા હતા. આ ઘટના બાદ પીડિત વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤