ગીતામંદિર બસ સ્ટેન્ડ પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. આ ભીડભાડવાળા વિસ્તારની બહાર એક સગીર સહિત ચાર જેટલા શખસો રસ્તા પરથી પસાર થતા લોકોને કથિત રીતે બળજબરીથી રોકી તેમની તપાસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આ દરમિયાન રાહદારીઓને ધમકાવી તેમના ખિસ્સામાંથી રોકડ અને અન્ય સામાન પડાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રસ્તા પરથી પસાર થતી બસમાં બેઠેલા એક મુસાફરે સમગ્ર ઘટનાને છૂપી રીતે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો આધારે એક શખસની ઓળખ
વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઝોન-6 ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, વીડિયોમાં કેટલાક શખસો રાહદારીઓને રોકીને તેમની તપાસ કરતા દેખાઈ રહ્યા છે.
પોલીસના મુજબ, વીડિયો આધારે એક યુવકની ઓળખ થઈ ગઈ છે. હવે આ વીડિયો કઈ તારીખ અને સમયનો છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



