વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમરે કેપ્ટન તરીકે સદી ફટકારવાનો રેકોર્ડ હવે ટેમ્બા બાવુમાના નામે નોંધાઈ ચૂક્યો છે. ગકેબરહા ટેસ્ટ મેચની શરૂઆત વખતે બાવુમાની ઉંમર 36 વર્ષ અને 154 દિવસ હતી. આ અગાઉ આ ખાસ સિદ્ધિ ભારતના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માના નામે હતી,
જેમણે વર્ષ 2023માં નાગપુર ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જ 35 વર્ષ અને 285 દિવસની ઉંમરે સદી ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બાવુમાએ હવે રોહિતને પાછળ છોડીને આ ઐતિહાસિક સ્થાન મેળવી લીધું છે.
ક્રીઝ પર 9 કલાક સુધી અડીખમ રહીને આફ્રિકાની ઇનિંગ્સ સંભાળી
દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન એક સમયે ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. સ્કોરબોર્ડ પર બહુ ઓછા રન હતા ત્યારે ટીમ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
આવી સ્થિતિમાં કેપ્ટન બાવુમાએ એક છેડે ખડકની જેમ અડીખમ ઊભા રહીને ટીમની જવાબદારી પોતાના ખભા પર ઉપાડી લીધી હતી. તેમણે મેદાન પર કુલ 547 મિનિટ એટલે કે 9 કલાક અને 7 મિનિટ જેટલો લાંબો સમય વિતાવીને ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે થકવી દીધું હતું. તેમની આ લડાયક બેટિંગને કારણે સાઉથ આફ્રિકા મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યું હતું.



