સાણંદના વિંછીયા ગામમાં 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના દીકરા કરણ સાથે રહેતાં હતાં. આશરે 10 દિવસ પહેલાં ભારતીબેન અને નરેશ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હતો. જેથી તેઓ પતિથી કંટાળીને પિયર જતાં રહ્યાં હતાં. દીકરા કરણની પરીક્ષા હોવાથી ભારતીબેન તેને પિતા નરેશ પાસે જ મૂકીને ગયાં હતાં. જોકે, ત્યારબાદ બનેલી ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો હતો.
પાડોશીએ ફોન કરીને કહ્યું- દીકરાને લાકડીથી માર માર્યો છે
1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે માર માર્યો છે. આ જાણ થતાં જ ભારતીબેન તાત્કાલિક વિંછીયા ગામ જવા નીકળ્યાં હતાં. તેમની સાથે માતા, પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યાં હતાં. રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યાં હતાં. ઘર પાસે જ જોગણી માતાની દેરી આવેલી હતી. ભારતીબેન ત્યાં પહોંચ્યાં ત્યારે કરણ ખાટલા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.
દીકરાની લાશ ખાટલામાં મૂકી પિતા બાજુમાં સૂતો હતો
ભારતીબેને કરણની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા ખાટલા પર તેમના પતિ નરેશ સૂઈ રહ્યો હતો. નરેશનાં કપડાં પર પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા. ભારતીબેને દીકરાના મોત અંગે પૂછતાં નરેશે માતાજીના ભૂવા સાથે જોડાયેલી વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી તે પોતે માતાજીનો ભૂવો બન્યો હતો.
‘મારા પછી કોઈ ભૂવો ન થાય એટલે કરણને માર્યો’
ફરિયાદમાં જણાવ્યા મુજબ, નરેશે કથિત રીતે કહ્યું હતું કે તેના પછી પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ માતાજીનો ભૂવો ન બને તે માટે તેણે કરણની હત્યા કરી છે. નરેશના જણાવ્યા મુજબ, તેણે માતાજીની દેરી પાસે કરણને બંને પગથી પકડીને બેથી ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી. આ વાત સાંભળીને પરિવારના સભ્યોમાં રોષ ફેલાયો હતો. ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને FSLની ટીમે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે FSLની ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભારતીબેને પતિ નરેશ પટેલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



