લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

‘પાદરમાં આવશો તો જાનથી મારી નાખીશ’ની ધમકી! પાણીના વિવાદમાં ગ્રામજનો પર હુમલાનો આરોપ

by

Thenewsdk

Updated: 19-11-2026, 06.22 PM

Follow us:

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં જીવનની પ્રાથમિક જરૂરિયાત ગણાતા પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે હિંસક મારામારી કરવામાં આવી છે. ગામના ઉપસરપંચ અને સ્થાનિક કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાનો એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને ગ્રામજનો પર હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

પ્લોટ વિસ્તારમાં પાણી ન આવવાની રજૂઆત દરમિયાન બોલાચાલી બાદ મામલો બન્યો હિંસક
ઘટનાની વિગતો મુજબ અડતાળા ગામના રહેવાસીઓ પોતાના પ્લોટ વિસ્તારમાં નિયમિત પાણી ન આવતું હોવાની ફરિયાદ લઈને ગામના ઉપસરપંચ જીતુ વાળા પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પાણીના પ્રશ્ને બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે, ઉપસરપંચ જીતુ વાળાએ ઉશ્કેરાઈ જઈને ગ્રામજનો સાથે અભદ્ર ગાળાગાળી શરૂ કરી હતી અને ત્યારબાદ નીચે આવીને એક હાથમાં રિવોલ્વર તથા બીજા હાથમાં લાકડાનો ધોકો લઈને હુમલો કરી દીધો હતો.

જીતુ વાળા રિવોલ્વર અને ધોકા સાથે આવ્યાં

રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ભોગ બનનાર ગ્રામજનનો આક્ષેપ
આ હુમલા અંગે ગ્રામજન અંકિત સાવકીયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરવા ગયા ત્યારે તેમને ગાળો આપવામાં આવી હતી. ગ્રામજનોએ ગાળો ન બોલવા વિનંતી કરતાં જ જીતુ વાળા રિવોલ્વર અને ધોકો લઈને દોડી આવ્યા હતા અને માર માર્યો હતો. આ ઉપરાંત, જો ગામના પાદરમાં આવશો તો જાનથી મારી નાખીશ એવી ખુલ્લી ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાહેરમાં રિવોલ્વર બતાવવાનો વીડિયો વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ધોકાથી હુમલો કર્યો

પંચાયતના બોરનું પાણી વાડીમાં લઈ જવાતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
અન્ય એક ગ્રામજન મહેન્દ્રભાઈ સાવકીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગામની ગ્રામ પંચાયતના બોરનું પાણી ગ્રામજનોને આપવાને બદલે ખાનગી વાડી તરફ વાળવામાં આવે છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પાણીની રજૂઆત કરવા ગયેલા ગામના યુવકો સાથે ધોકા અને રિવોલ્વર વડે મારામારી કરવામાં આવી હતી. ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જીતુ વાળાના સાગરીતે ધોકાથી હુમલો કર્યો

લાઠી પોલીસ સ્ટેશનમાં ઉપસરપંચ સહિત 5 આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
આ હિંસક ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં અડતાળા ગામના લોકો એકઠા થઈને લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલે અમરેલીના ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, અડતાળા ગામના વાયરલ વીડિયો પોલીસના ધ્યાને આવ્યા છે અને પાણીના વિવાદમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લાઠી પોલીસે આ મામલે નીચે મુજબના પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  • જીતુ ભાયાભાઈ વાળા
  • દિલીપ ભાયાભાઈ વાળા
  • નીલેશ ભીખુભાઈ વાળા
  • રઘુ અનકભાઈ વાળા
  • મહેશ ભીખુભાઈ વાળા

રિવોલ્વર દેખાડી ફાયરિંગ કરવાની ધમકી આપી

હત્યાના પ્રયાસની BNS કલમો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
લાઠી પોલીસ સ્ટેશનમાં ઉપસરપંચ જીતુ વાળા સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ), 189(2), 189(4), 190, 191(2), 191(3) (ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગ), 115(2) (ઇજા પહોંચાડવી), 352, 351(3) (જાનથી મારી નાખવાની ધમકી), 125(a) અને 3(5) તેમજ આર્મ્સ એક્ટની કલમ-25(1-b)(a) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ લાઠી પોલીસ દ્વારા વાયરલ વીડિયો અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ધરપકડ સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤