ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન ખાતે શરૂ થઈ છે. આ રોમાંચક મુકાબલાના પ્રથમ દિવસે જ મેદાન પર ભારે ગરમાગરમી અને વિવાદ જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડના બેટર ગ્લેન ફિલિપ્સ વિરુદ્ધ LBWની અપીલ થર્ડ અમ્પાયર દ્વારા ફગાવી દેવામાં આવતા ભારતીય કેપ્ટન શુભમન ગિલ અત્યંત નારાજ થઈ ગયો હતો અને તેણે મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ પાસે જઈને નિર્ણય સામે ઉગ્ર સવાલો ઉઠાવ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહની 31મી ઓવરમાં થઈ અપીલ
સમગ્ર ઘટના ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સની 31મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ત્રીજો બોલ અત્યંત ઝડપથી અંદરની તરફ આવ્યો હતો અને ગ્લેન ફિલિપ્સને ચોંકાવીને સીધો તેમના પેડ પર વાગ્યો હતો.
ભારતીય ટીમે જોરદાર LBWની અપીલ કરી હતી પરંતુ, ફિલ્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. ત્યારબાદ શુભમન ગિલે વિકેટકીપર અને બુમરાહ સાથે ચર્ચા કર્યા બાદ રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો.
રિવ્યૂ લેતા પહેલાં બુમરાહને લાગ્યું હતું કે, બોલની ઊંચાઈ વધારે છે અને તેણે ગિલને કહ્યું હતું કે ‘હાઈટ છે’, પરંતુ તેનાથી વિપરીત કેપ્ટન ગિલને પૂરો વિશ્વાસ હતો કે બોલ બેટને અડ્યો નથી, તેથી તેણે ‘બેટ નથી’ કહીને રિવ્યૂની માંગ કરી હતી.
સ્નિકોમીટરમાં મોટો સ્પાઈક દેખાતા થર્ડ અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરનો નિર્ણય રાખ્યો યથાવત્
જ્યારે થર્ડ અમ્પાયર પોલ રાઈફલે રિવ્યૂની તપાસ શરૂ કરી, ત્યારે સ્નિકોમીટરમાં બોલ બેટની નજીકથી પસાર થતી વખતે એક મોટો સ્પાઈક જોવા મળ્યો હતો, જોકે સામેથી મળેલા કેમેરા ફૂટેજમાં અંડર-એજ સ્પષ્ટ દેખાઈ રહી નહોતી.
થર્ડ અમ્પાયર પોલ રાઈફલે વિવિધ એંગલથી ઘણી વખત રિપ્લે જોયા બાદ એવું તારણ કાઢ્યું હતું કે, બોલ બેટ સાથે થોડો ટકરાયો હતો. આ આધારે તેમણે ગ્રાઉન્ડ અમ્પાયરનો નોટઆઉટનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો.
રિચર્ડ ઇલિંગવર્થ સાથે ગિલની લાંબી દલીલ
થર્ડ અમ્પાયરનો નિર્ણય જાહેર થયા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ સાથે લાંબી ચર્ચા કરી હતી. ગિલનું માનવું હતું કે, બેટ અને પેડ વચ્ચે સ્પષ્ટ અંતર હતું અને બોલ પહેલા પેડ પર વાગ્યો હતો, જ્યારે સ્નિકોમીટરનો અવાજ અન્ય કોઈ કારણસર આવ્યો હોઈ શકે છે.
અમ્પાયરે ગિલને નિયમો મુજબ પોતાનો પક્ષ સમજાવ્યો હતો, પરંતુ ગિલ અસંતોષ સાથે માથું હલાવતા ત્યાંથી પાછો ફર્યો હતો અને બુમરાહ પણ આ નિર્ણયથી નાખુશ દેખાયો હતો. જોકે, રિપ્લેના અંતમાં બોલ સ્ટમ્પ્સની ઉપરથી જતો હોય એવું દેખાઈ રહ્યું હતું,
જેના પરથી સ્પષ્ટ થયું કે જો બેટ સાથે સંપર્ક ન થયો હોત તો પણ ઊંચાઈના કારણે LBW ની અપીલ સફળ થવાની શક્યતા ઓછી હતી.
વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર 243/5
વેલિંગ્ટન ટેસ્ટનો પ્રથમ દિવસ બંને ટીમો માટે મિશ્ર રહ્યો હતો. સવારના પ્રથમ સેશનમાં ભારતીય ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો હતો અને ન્યૂઝીલેન્ડની ટોપ ઓર્ડર વિકેટો ઝડપથી પડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ કિવી બેટરોએ શાનદાર વળતો પ્રહાર કર્યો હતો.
ગુરુવારે પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટના નુકસાને 243 રન બનાવી લીધા હતા. જીવનદાન મળ્યા બાદ ગ્લેન ફિલિપ્સ 94 રન અને હેનરી નિકોલ્સ 113 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. બંને બેટરો વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 173 રનની અતૂટ ભાગીદારી નોંધાઈ છે, જેણે ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું છે.



