WhatsApp Dual : વોટ્સએપના આ સંભવિત ફીચરને ડ્યુઅલ કેમેરા મોડ નામ આપવામાં આવી શકે છે. આ ફીચર શરૂ થાય ત્યારે ફોનનો પાછળનો કેમેરા મુખ્ય સ્ક્રીન પર આસપાસનો નજારો રેકોર્ડ કરશે, જ્યારે આગળનો કેમેરા નાની વિંડોમાં તમારો ચહેરો અને રિએક્શન બતાવશે.
આ સુવિધાની ખાસ વાત એ છે કે જો નાની વિંડો વીડિયોના કોઈ મહત્ત્વના ભાગને ઢાંકી રહી હોય, તો તમે તેને આંગળી વડે ખસેડીને સ્ક્રીન પર પોતાની પસંદગીની જગ્યાએ મૂકી શકો છો. તેનાથી વીડિયોની ફ્રેમિંગ સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં રહે છે.
રોટેટ બટનથી સરળતાથી બદલી શકાશે કેમેરાની જગ્યા
આ ફીચર માત્ર એકસાથે રેકોર્ડિંગ પૂરતું સીમિત નથી, પરંતુ રેકોર્ડિંગ દરમિયાન કેમેરાના દૃશ્યો બદલવાનો વિકલ્પ પણ આપે છે. સ્ક્રીન પર મળતા રોટેટ બટનને ટેપ કરવાથી આગળનો કેમેરા મોટી સ્ક્રીનમાં આવી જશે અને પાછળનો કેમેરા નાની વિંડોમાં જતો રહેશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે કેમેરાની જગ્યા બદલાય ત્યારે પણ બંને કેમેરાનું રેકોર્ડિંગ અટક્યા વગર ચાલુ રહે છે. આ રીતે યુઝર્સ એક જ વીડિયોમાં જુદા જુદા એંગલથી દૃશ્યો રજૂ કરી શકે છે.
હાલ ટેસ્ટિંગ તબક્કામાં, સામાન્ય યુઝર્સ માટે રાહ જોવી પડશે
વોટ્સએપના અપડેટ્સ પર નજર રાખતા પ્લેટફોર્મ WABetaInfo ના અહેવાલ મુજબ, આ ફીચર હાલમાં Android બીટા વર્ઝન 2.26.46.9 માં જોવા મળ્યું છે અને મર્યાદિત ટેસ્ટિંગ હેઠળ છે. કંપની હજુ સુધી આ સુવિધાને બધા યુઝર્સ માટે ક્યારે રજૂ કરવામાં આવશે તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
જોકે, જ્યારે તે સ્ટેબલ વર્ઝનમાં આવશે, ત્યારે વ્લોગ બનાવતા લોકો, પ્રવાસના વીડિયો ઉતારતા યુઝર્સ અને રોજિંદા જીવનની ખાસ પળો સાચવતા લોકો માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.



