Mission World Cup 2027: ભારતીય પસંદગીકારો આ વખતે કોઈ કસર છોડવા માંગતા નથી. IPL ની ચાલુ સીઝન દરમિયાન તમામ પસંદગીકારો વિવિધ સ્ટેડિયમોમાં જઈને ખેલાડીઓના પ્રદર્શન, ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારોએ વર્લ્ડ કપ માટે સંભવિત 20 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરી લીધા છે, જેમાંથી અંતિમ 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવશે.
ફાસ્ટ બોલિંગમાં મોટો ફેરફાર
આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક બાબત ફાસ્ટ બોલિંગ વિભાગમાં જોવા મળી છે. દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચોને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ 6 ફાસ્ટ બોલરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામ લગભગ નક્કી માનવામાં આવે છે.
આ ઉપરાંત, ઈજામાંથી રિકવર થઈ રહેલા હર્ષિત રાણાને પણ મહત્વની તક મળી શકે છે. જોકે, સૌથી મોટો આંચકો મોહમ્મદ શમીના ચાહકોને લાગી શકે છે. ગત વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર શમીનું નામ આ 20 સભ્યોની યાદીમાં હોવાની શક્યતા નહિવત્ છે.
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના ખભા પર જવાબદારી
ટીમ ઇન્ડિયાના ભવિષ્યને જોતા પસંદગીકારોએ શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ અય્યરને વાઇસ-કેપ્ટન તરીકે તૈયાર કરવાનું મન બનાવી લીધું હોય તેવું લાગે છે. આ બંને ખેલાડીઓના નામ યાદીમાં ટોચ પર છે. સૌથી મહત્વની વાત એ છે કે અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ 2027 ના વર્લ્ડ કપમાં રમતા જોવા મળી શકે છે, જે ભારતીય બેટિંગ લાઇન-અપને મજબૂતી આપશે.
સંભવિત 20 ખેલાડીઓની યાદી
પસંદગીકારોના રડાર પર રહેલા 20 ખેલાડીઓમાં નીચેના નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે:
બેટ્સમેન: શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ.
વિકેટકીપર: ઋષભ પંત, કેએલ રાહુલ, ઇશાન કિશન, સંજુ સેમસન.
ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા.
સ્પિનર: કુલદીપ યાદવ.
ફાસ્ટ બોલર: જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા.


Leave a Comment