તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આવેલી એક ખાનગી શાળામાં કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. સ્કૂલના સમય દરમિયાન સીડી પરથી નીચે પટકાતાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નીપજ્યું છે. વર્ણિકા નામની આ માસુમ બાળકી સીડી ઉતરી રહી હતી ત્યારે અચાનક સંતુલન ગુમાવી દેતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના ગુરુવારે બની હતી અને શુક્રવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીએ આખરી શ્વાસ લીધા હતા.
CCTVમાં કેદ થઈ સમગ્ર દુર્ઘટના
આ સમગ્ર ભયાનક ઘટના શાળામાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળકી સીડી પરથી નીચે આવી રહી હતી અને અચાનક જ પોતાનું સંતુલન ગુમાવી દેતાં નીચે પડી જાય છે. બાળકીને પટકાતી જોઈને નજીક ઊભેલા અન્ય વિદ્યાર્થીઓ તેને ટેકો આપવાનો પ્રયાસ કરે છે અને એક વિદ્યાર્થી દોડીને શિક્ષકને મદદ માટે બોલાવે છે. ત્યારબાદ શિક્ષક આવીને બાળકીની તપાસ કરતા નજરે પડે છે. સ્થાનિક સર્કલ ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ પોલીસ ફૂટેજ ચકાસી રહી છે, જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.
પરિવારના સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપો
બાળકીના અકાળે અવસાન બાદ તેના પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા છે. પરિવારજનોનો દાવો છે કે, ઘટના બન્યા બાદ શાળા પ્રશાસને સમયસર તેમને સાચી માહિતી આપી નહોતી, જેના કારણે બાળકીને યોગ્ય અને તાત્કાલિક સારવાર મળવામાં વિલંબ થયો હતો. બીજી તરફ સ્કૂલ પ્રશાસને આ આરોપોને ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે, તેઓ બાળકીના પિતાના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે બાળકીને ઉલટી થવા લાગી ત્યારે તુરંત જ વાહનની વ્યવસ્થા કરીને તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસ અને મેડિકલ હિસ્ટ્રીની તપાસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં બાળકી પોતે સંતુલન ગુમાવતી દેખાય છે. આ ઉપરાંત બાળકીને અગાઉથી કોઈ શારીરિક કે તબીબી બીમારી હતી કે કેમ તે અંગે પણ પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે અકસ્માતે થયેલા મોતનો ગુનો નોંધીને શાળાના સ્ટાફ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે.



