India-Oman CEPA Trade Deal : ભારત-ઓમાન વચ્ચે થયેલો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA પહેલી જૂન એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ માત્ર સોદો મુક્ત વ્યાપાર કરાર નથી, પરંતુ તેનાથી બંને દેશો વચ્ચે રોકાણ, નોકરીઓ, સેવાઓ અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. ખાસ કરીને ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વર્તમાન તણાવને જોતાં આ કરાર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી છે.
બંને દેશો વચ્ચે 10.61 અબજ ડૉલરનો વેપાર
નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને ઓમાન વચ્ચેનો કુલ વેપાર 10.61 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે 8.94 અબજ ડૉલર હતો. આ વ્યાપારમાં ભારત તરફથી 4.06 અબજ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ઓમાનથી 6.55 અબજ ડૉલરની આયાત થઈ હતી. વેપારની સાથે આઇટી, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ જેવા સર્વિસ સેક્ટરમાં પણ ભારતની આવક વર્ષ 2020ના 397 મિલિયન ડૉલરથી વધીને વર્ષ 2023માં 617 મિલિયન ડૉલર થઈ ગઈ છે.
ભારતના 99.38% નિકાસ સામાન પર હવે કોઈ ટેક્સ નહીં
આ કરારની સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે ઓમાનના બજારમાં ભારતના લગભગ 99.38% સામાન પર કોઈ આયાત વેરો એટલે કે ડ્યુટી ચૂકવવી નહીં પડે. અગાઉ માત્ર 15.33% સામાનને જ આ પ્રકારનો લાભ મળતો હતો. હવે ટેક્સ ફ્રી એક્સેસ મળવાના કારણે ઓમાનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ સસ્તી થશે અને અન્ય દેશોની સરખામણીમાં ભારતીય વેપારીઓ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો : CM શુભેન્દુના દાવાથી TMC ફફડી, તાત્કાલીક કરી મોટી કાર્યવાહી
એન્જિનિયરિંગથી લઈને નાના ઉદ્યોગો માટે સોનેરી તક
ઓમાનનું આયાત બજાર 28 અબજ ડૉલરથી વધુનું છે. આ ડીલના કારણે ભારતના એન્જિનિયરિંગ સામાન, મશીનરી, દવાઓ, ખેતી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને દાગીના ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME સેક્ટરની હજારો ફેક્ટરીઓ માટે આ કરાર ગેમચેન્જર સાબિત થશે, જેનાથી દેશમાં ઉત્પાદન વધશે અને નવી રોજગારીની તકો ઊભી થશે.
ખેડૂતોના હિતોનું રક્ષણ
ભારત સરકારે વ્યાપાર વધારવાની સાથે દેશના ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. આ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ, મધ, શાકભાજી, ફળો, ચા, કોફી અને મસાલા જેવા સંવેદનશીલ ઉત્પાદનોને આ કરારથી બહાર રાખવામાં આવ્યા છે, જેથી વિદેશથી આવતી સસ્તી વસ્તુઓના કારણે ભારતીય ખેડૂતોને કોઈ નુકસાન ન થાય.
મુશ્કેલ સમયમાં ઓમાન ભારતનો સાચો સાથી
ભૌગોલિક દૃષ્ટિએ ઓમાનના બંદરો દરિયાઈ તણાવવાળા વિસ્તારોથી બહાર આવેલા છે. તાજેતરમાં જ્યારે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને ભારતનો અન્ય દેશો સાથેનો વેપાર ઘટ્યો, ત્યારે ઓમાનથી થતી આયાતમાં 246%નો મોટો ઉછાળો આવ્યો હતો. ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે ઓમાન પર ઘણો નિર્ભર છે અને નાણાકીય વર્ષ 2025-26માં ભારતે ઓમાન પાસેથી 7.2 અબજ ડૉલરની કિંમતનું ક્રૂડ ઓઇલ, એલએનજી અને યુરિયા ખરીદ્યું છે. સંકટના સમયમાં પણ ઓમાન ભારત માટે એક સુરક્ષિત વેપારી માર્ગ સાબિત થયો છે.
ભારતીય પ્રોફેશનલ્સ માટે નોકરીની નવી તકો
આ કરાર માત્ર સામાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી ભારતના આઈટી નિષ્ણાતો, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, શિક્ષકો અને એકાઉન્ટન્ટ્સ જેવા વ્યાવસાયિકો માટે ઓમાનમાં નોકરી મેળવવાનું અને ત્યાં જઈને કામ કરવાનું કામ ઘણું સરળ બની જશે. વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે ભારતને આ કરાર દ્વારા એક વિશ્વાસુ અને મજબૂત આર્થિક ભાગીદાર મળ્યો છે.


Leave a Comment