હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બૈરાગઢ-ચંબા રોડ પર દેવીકોઠી નજીક ચાલુજ મોર વિસ્તારમાં શર્મા ટ્રાવેલ્સની ખાનગી બસ અચાનક કાબૂ ગુમાવી રસ્તાની નીચે આવેલા બીજા માર્ગ પર ખાબકી હતી. બસ લગભગ 100 ફૂટ નીચે પડતાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બસમાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા.
માત્ર ત્રણ કિલોમીટર બાદ બસ બની અકસ્માતનો શિકાર
મળતી માહિતી પ્રમાણે, શર્મા ટ્રાવેલ્સની બસ શનિવારે સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી ચંબા તરફ જવા રવાના થઈ હતી. બસે માત્ર ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યું હતું ત્યારે ચાલુજ મોર નજીક ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે જઈ બીજા માર્ગ પર પટકાઈ હતી.
બસમાં 15થી 16 મુસાફરો સવાર હોવાની માહિતી
અકસ્મત સમયે બસમાં અંદાજે 15થી 16 મુસાફરો સવાર હોવાનું જણાવાઈ રહ્યું છે. બસ ખીણમાં પડતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિકોએ બચાવ કામગીરીમાં જોડાઈ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઉપરાંત પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ ઘાયલોને ક્ષતિગ્રસ્ત બસમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે તીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બસના કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા
હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બસને બહાર કાઢવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. કાટમાળ નીચે કેટલાક વધુ મુસાફરો દટાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવ ટીમો દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.




Leave a Comment