Suvendu Adhikari And Ritabrata Banerjee Clash : પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મંગળવારે વિસ્તારોના નામકરણ અને રસ્તાઓના નામ બદલવા મામલે મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતાના પ્રખ્યાત સુહરાવર્દી એવેન્યુનું નામ બદલવાના સરકારના નિર્ણય સામે વિપક્ષી નેતા ઋતબ્રત બેનર્જીએ ગૃહમાં આકરી ટીકા કરી હતી. આ આલોચના સાંભળતા જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભડક્યા હતા અને તેમની વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી. CM શુભેન્દુએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે કોલકાતામાં હવેથી મુગલો કે પઠાણોના નામ પર કોઈ સડક રાખવામાં આવશે નહીં.
સુહરાવર્દી એવેન્યુનું નામ બદલાયું
પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઇન્ટ્સથી ડોન બોસ્કો સર્કલ સુધીના 500 મીટર લાંબા સુહરાવર્દી એવેન્યુનું નામ બદલીને ‘ગોપાલ મુખર્જી એવેન્યુ’ કરી દીધું છે. CM શુભેન્દુએ જણાવ્યું કે, આ સડક બંગાળના કસાઈ ગણાતા હુસૈન સુહરાવર્દીના નામે હતી, જેમના હાથ 1946ની હિંસાઓના લોહીથી ખરડાયેલા હતા અને જ્યોતિ બસુના મતે તેમણે ઓછામાં ઓછા 20,000 લોકોની હત્યા કરી હતી. આથી બંગાળમાં આવી કોઈ વ્યક્તિના નામે સડક કે ગલી રાખવાનો સવાલ જ નથી ઉઠતો.
નામ બદલવા માટે વિશેષ સમિતિની રચના
મુખ્યમંત્રીએ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે ‘સ્વામી પ્રદીપાનંદ મહારાજ સમિતિ’ની રચના કરવાની જાહેરાત કરી છે. સ્વામી પ્રદીપાનંદ મહારાજ આ સમિતિના અધ્યક્ષ રહેશે, જે નવા નામોનું મૂલ્યાંકન કરશે. આ સમિતિને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાના પ્રસ્તાવ મોકલી શકશે. CMએ ઉમેર્યું કે ભગીની નિવેદિતા સિવાય અન્ય કોઈ પણ વિદેશીના નામે ગલી રાખતા પહેલા વિચારવું પડશે અને ડૉ. APJ અબ્દુલ કલામ જેવા સાચા દેશભક્તોનું સન્માન ચોક્કસ કરવામાં આવશે.
સદનમાં શુભેન્દુ અને ઋતબ્રત વચ્ચે તીખી તકરાર
વિપક્ષી નેતા ઋતબ્રતે જ્યારે સુહરાવર્દી એવેન્યુનું નામ બદલવાના નિર્ણયનો વિરોધ કર્યો, ત્યારે CM શુભેન્દુએ તેમની માનસિકતા પર પ્રહાર કર્યો હતો. CMએ કહ્યું કે, ‘તમે આપણી બંગાળી સંસ્કૃતિ અને પરંપરાને ભૂંસી ન શકો. તમારું ભાષણ કોઈ સ્થાનિક નેતા જેવું નહીં પણ એક કમ્યુનિસ્ટ જેવું હતું. હું તમારી કોઈ સલાહ લેવાનો નથી.’ આ સાથે તેમણે ભૂતકાળના યુનિવર્સિટી કુલપતિ હસન સુહરાવર્દીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેમણે દેશભક્ત વીણા બસુને અંગ્રેજોના હવાલે કર્યા હતા, તેથી આવા લોકોના નામ કોલકાતામાંથી હટાવવા જરૂરી છે.


Leave a Comment