ભારતની શિક્ષણ પ્રણાલીને લઈને સરકારી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં 1 લાખથી પણ વધુ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે! રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થી-શિક્ષકનો રેશિયો કાગળ પર યોગ્ય દેખાતો હોવા છતાં વાસ્તવિકતામાં સ્થાનિક સ્તરે શિક્ષકોની ભારે અછત અને અનિયમિત તૈનાતી ચિંતાનો વિષય બની છે.
સિંગલ ટીચર ધરાવતી સ્કૂલોમાં આંધ્રપ્રદેશ ટોપ પર
UDISE+ના વર્ષ 2025-26ના તાજેતરના આંકડા મુજબ ભારતમાં તમામ પ્રકારના મેનેજમેન્ટ ધરાવતી 1,00,843 શાળાઓ સિંગલ-ટીચર (Single-Teacher)ના સહારે નિર્ભર છે. આ લિસ્ટમાં આંધ્ર પ્રદેશ 16,357 સ્કૂલો સાથે સૌથી ઉપર છે, જે દેશની કુલ સિંગલ-ટીચર સ્કૂલોના 16% કરતાં પણ વધુ છે.
સૌથી વધુ સિંગલ-ટીચર સ્કૂલો ધરાવતા મુખ્ય 7 રાજ્યો:
- આંધ્ર પ્રદેશ: 16,357
- ઝારખંડ: 9,827
- મહારાષ્ટ્ર: 9,269
- કર્ણાટક: 8,042
- ઉત્તર પ્રદેશ: 7,874
- રાજસ્થાન: 7,200
- પશ્ચિમ બંગાળ: 6,796
(નોંધ: આ 7 રાજ્યો જ દેશની કુલ સિંગલ-ટીચર સ્કૂલોમાંથી અંદાજે 65% હિસ્સો ધરાવે છે.)
રાજ્યસભામાં સરકારે આપી માહિતી
રાજ્યસભામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ આ આંકડા રજૂ કર્યા હતા.
જોકે, મંત્રાલયે ચોક્કસ રાજ્યવાર ખાલી જગ્યાઓની વિગતો આપવાનું ટાળ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષકોની ભરતી, સેવાની શરતો અને તૈનાતીનું કામ સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથમાં છે.
નિવૃત્તિ, રાજીનામા, નવા પદોનું સર્જન અને નોંધણીમાં ફેરફાર જેવા કારણોસર જગ્યાઓ ખાલી પડતી હોય છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક અને મેરિટ-આધારિત ભરતી પ્રક્રિયાથી જગ્યાઓ તાત્કાલિક ભરવા સલાહ આપી છે.
કાગળ પર સરેરાશ સારું પણ વાસ્તવિકતા અલગ
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) મુજબ દેશમાં રાષ્ટ્રીય સરેરાશ રેશિયો પ્રાઈમરી પર 19, અપર પ્રાઈમરી પર 17, સેકન્ડરી પર 15 અને હાયર સેકન્ડરી પર 23 વિદ્યાર્થીઓ પર 1 શિક્ષકનો છે.
પરંતુ 1 લાખથી વધુ સિંગલ-ટીચર સ્કૂલોનો આંકડો દર્શાવે છે કે સારા રાષ્ટ્રીય સરેરાશ પાછળ શિક્ષકોની સ્થાનિક વહેંચણીમાં મોટું અસંતુલન છુપાયેલું છે.




Leave a Comment