Supreme Court Hearing On SIR: મતદાર યાદીના વિશેષ અને ગહન પુન:નિરીક્ષણ કાર્ય (Special Intensive Revision – SIR)ને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકારના ચૂંટણી પંચ (ECI) પાસે SIR પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. મતદાર યાદીનું ‘વિશેષ ગહન પુનઃનિરીક્ષણ’ બંધારણીય અને માન્ય છે. ચૂંટણી પંચ પાસે મતદાર યાદી નિષ્પક્ષ અને શુદ્ધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે આ પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં ચૂંટણી પંચના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે બુધવારે આ ચુકાદો સંભળાવ્યો હતો. આ બાબતે કોર્ટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, જે આ પ્રમાણે છે.
ચૂંટણી પંચની સત્તાઓ અને વિશેષ પ્રક્રિયા
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે એક સચોટ મતદાર યાદી તૈયાર કરવી તેની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે સ્વીકાર્યું કે કોઈ વિશેષ સંજોગોનું નિર્માણ થાય ત્યારે સામાન્ય પ્રક્રિયાથી હટીને કોઈ અલગ કે વિશેષ પ્રક્રિયા અપનાવવી તે બંધારણ અથવા પ્રચલિત કાયદાની વિરુદ્ધ નથી. આથી ચૂંટણી પંચ પાસે ‘SIR’ લાગુ કરવાની અને આ વિશેષ અભિયાન ચલાવવાની પૂરી સત્તા છે.
સામાન્ય પ્રક્રિયાથી અલગ હોવાથી પ્રક્રિયા ગેરકાયદે ના ગણાય
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા જ્યારે આ વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ, ત્યારે તેને પડકારવામાં આવી હતી. અરજદારોનો દાવો હતો કે આ પ્રક્રિયા સામાન્ય સુધારા અથવા સંશોધનની પદ્ધતિ કરતાં તદ્દન અલગ છે અને તેનાથી મતદારોના અધિકારો જોખમાઈ શકે છે. આ દલીલનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, માત્ર એટલા જ કારણસર કોઈ પ્રક્રિયાને ‘અલ્ટ્રા વાયર્સ’ (ગેરકાનૂની કે સત્તા બહારની) ગણાવીને રદ ન કરી શકાય કે તે મતદાર યાદીના સુધારાની સામાન્ય પ્રક્રિયા કરતાં થોડી જુદી છે.
કોર્ટે સ્પષ્ટતા કરી કે, ચૂંટણી પંચ દ્વારા ઓળખની ખરાઈ માટે નક્કી કરાયેલા 11 દસ્તાવેજોના જૂથ પર વિચારણા કર્યા બાદ અને કોર્ટના આદેશો દ્વારા તેમાં ‘આધાર કાર્ડ’ નો પણ સમાવેશ કરી દેવાયા પછી, પંચ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો મનસ્વી કે ભેદભાવપૂર્ણ છે તેવી દલીલને બિલકુલ સ્વીકારી શકાય નહીં. આ પ્રક્રિયા કાયદેસર છે.
મતદાર યાદીમાંથી નામ હટવું તે પાછલા બારણેથી નાગરિકતાની તપાસ નથી
આ મામલે વિપક્ષો અને અરજદારો દ્વારા આક્ષેપ કરાયો હતો કે ચૂંટણી પંચ દ્વારા ચલાવાઈ રહેલું આ ‘SIR’ અભિયાન વાસ્તવમાં ‘પાછલા બારણેથી દેશની નાગરિકતાની ચકાસણી’ (Backdoor Citizenship Check) કરવા જેવું છે. આ આશંકાઓ ફગાવતા સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્ત્વની સ્પષ્ટતા કરી કે, આ વિશેષ પ્રક્રિયા અંતર્ગત જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવે, તો તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિની ભારતની નાગરિકતા જતી રહી છે.
નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી
સુપ્રીમ કોર્ટની બેન્ચે સત્તાવાર ક્ષેત્રાધિકારની મર્યાદા સ્પષ્ટ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ નાગરિકતાના સવાલને માત્ર એટલા જ સીમિત અને ચોક્કસ દાયરામાં જોઈ શકે છે કે કયા વ્યક્તિનું નામ મતદાર યાદીમાં રાખવાને લાયક છે અને કોનું નથી. ચૂંટણી પંચ પાસે કોઈનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો અધિકાર ચોક્કસ છે, પરંતુ તેના આધારે તે વ્યક્તિ ભારતનો નાગરિક રહ્યો નથી તેવું સાબિત થતું નથી. ભારતમાં કોઈની નાગરિકતા નક્કી કરવાની કાનૂની સત્તા કે કામગીરી ચૂંટણી પંચની નથી.
SIR ‘લોકપ્રતિનિધિત્વ અધિનિયમ’ અને સંબંધિત નિયમોની વિરુદ્ધ નથી
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે SIR કાયદેસર રીતે માન્ય છે, તેથી તે ‘લોકપ્રતિનિધિત્વ અધિનિયમ’ (RP Act) નું ઉલ્લંઘન થતું નથી.



Leave a Comment