પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેપી સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના પાર્ટી કાર્યાલયમાં તેમની પર ઇંડા અને રીંગણા ફેંકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બીજેપી સમર્થકો સતત પાર્ટી કાર્યાલયના ત્રીજા માળને નિશાનો બનાવીને ઇંડા અને રીંગણા ફેંકી રહ્યા હતા.
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પોલીસ બહુ મોડી પહોંચી. જો કે ત્યાં હાજર લોકો પણ કોઇ કાર્યવાહી કરી રહ્યા ન હતા. તે લોકો મુકપ્રેક્ષક બનીને જોઇ રહ્યા હતા. ફેસબુક લાઈવ સેશનમાં તેમણે આરોપ લગાવ્યો કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની જવાબદારી નિભાવવાને બદલે પોલીસ ફક્ત તમાશો જોતી રહી. આ ઘટના અંગે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ પોલીસે આ બાબતે કોઈ વિગતવાર જાહેર નિવેદન બહાર પાડ્યું નથી.
જાહેરહિતની અરજી પર રાજ્ય સરકારનો નિર્ણય
આ મામલો એવા સમયે આવ્યો છે જ્યારે હાલમાં કલકત્તામાં હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક વિરોધિઓ કે વિવિધ મામલે આરોપીઓ પર ઇંડા ફેંકવાની ઘટનાઓને લઇને કડક ટિપ્પણીઓ કરી છે. મંગળવારે આ મામલે જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ પાર્થ સારથી ચેટરજીની બનેલી ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે ઇંડા ફેંકવાની દરેક ઘટના માટે પોલીસ ફરજિયાતપણે FIR નોંધે.
સુનાવણી દરમિયાન, કોર્ટે મૌખિક રીતે અવલોકન કર્યું કે કોઈ વ્યક્તિ સામે આરોપ લગાવવાનો અર્થ એ નથી કે તેના મૂળભૂત અધિકારો ખતમ થઈ જાય. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય અથવા રાજ્ય સુરક્ષા હેઠળ હોય, ત્યારે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજ્યની જવાબદારી છે.
હાઇકોર્ટે શુભેન્દુ સરકારને આપ્યો આદેશ
હાઈકોર્ટે રાજ્ય સરકારને 20 જુલાઈ સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેમાં ઈંડા ફેંકવાની ઘટનાઓને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અને આજ સુધી આવા કેસોમાં નોંધાયેલી એફઆઈઆરની સંખ્યાની વિગતો આપવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાનો નિર્દેશ આપ્યો હતો.
આ દરમિયાન, રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે સરકારનું વલણ સ્પષ્ટ છેકે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની પરવાનગી નથી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે કેટલાક કિસ્સાઓમાં ધરપકડ થઈ ચૂકી છે જ્યાં ખંડણી અને અન્ય ગુનાઓના આરોપી વ્યક્તિઓ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા.




Leave a Comment