જો તમે અમદાવાદની બજારોમાં લારી-ગલ્લા કે રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. બજારોમાંથી લેવાયેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી 46 જેટલા સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે.
મેંગો શેક, પનીર અને ઘી જેવા રોજિંદા ખોરાકમાં ભેળસેળ
આરોગ્ય વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, ઉનાળા અને ચોમાસાની મિશ્ર ઋતુમાં લોકો જે પદાર્થો વધુ આરોગે છે, તેમાં જ મોટી ભેળસેળ સામે આવી છે. લોકોનો ફેવરિટ મેંગો શેક, શરબત અને વેજિટેબલ સોસના નમૂના ફેલ થયા છે. રસોઈમાં વપરાતી મુખ્ય સામગ્રી જેમ કે ઘી, લવિંગ અને શાકભાજીની ગ્રેવી પણ અખાદ્ય હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સમાં વ્યાપકપણે વપરાતા પનીર અને શ્રીખંડના સેમ્પલ પણ ગુણવત્તાના ધોરણોમાં નબળા સાબિત થયા છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.




Leave a Comment