Cockroach Janata Party Protest : મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET’ ના પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી પોલીસે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે હવે આ પ્રદર્શનના માર્ગમાં તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.
DELHI CJP PROTEST LIVE UPDATES
સોનમ વાંગચૂક પણ જંતર મંતર પહોંચ્યા
કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમને સમર્થન આપવા માટે જાણીતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ દિલ્હી આવી પહોંચ્યા હતા. સોનમ વાંગચુક લદ્દાખના એક જાણીતા ભારતીય શિક્ષણ સુધારક, નવપ્રવર્તક (ઇનોવેટર) અને પર્યાવરણ કાર્યકર્તા છે. તેઓ ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ (SECMOL) ના સ્થાપક ડિરેક્ટર છે, જેની સ્થાપના તેમણે 1988માં લદ્દાખી યુવાનોને બિન-પરંપરાગત રીતે શિક્ષણ આપવા માટે કરી હતી.
અભિજિત દીપકેના સરકાર પર પ્રહાર
અભિજિત દીપકેએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકારને પડકાર ફેંકતા જણાવ્યું કે, “તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો. આ સિસ્ટમની જ ખામી છે કે જેના કારણે આજે આ ‘કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે.”
દેશમાં ધર્મની રાજનીતિ સાંખી નહીં લેવાય
જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ ના વિરોધ પ્રદર્શનમાં એકઠા થયેલા દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રેચ્ચાર કરીને હોબાળો મચાવ્યો છે. પ્રદર્શનકારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે દેશમાં ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે અને તેઓ આ આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ જવા દેશે નહીં. તેમણે સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “આ તો સિસ્ટમની જ ખામી છે જેના કારણે આજે આ બધા ‘કોકરોચ’ બહાર આવી ગયા છે.” દેખાવકારોએ સ્પષ્ટ કર્યું કે ધર્મના નામે હવે વિદ્યાર્થીઓના ભાગલા પાડી શકાય નહીં અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરતા ઉમેર્યું કે, એક મંત્રીની નિષ્ફળતા અને લાપરવાહીના કારણે આજે નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જંતર મંતર પર દેખાવકારોનો જમાવડો

જંતર મંતર પર દેખાવો શરૂ
જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર અને સમર્થકો પહોંચવા લાગ્યા છે અને તેમણે ઠેર ઠેર નારેબાજી કરવાની શરૂઆત પણ કરી દીધી છે. આ દરમિયાન તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી.
અમેરિકાથી દિલ્હી પહોંચ્યા સંગઠનના સ્થાપક અભિજિત દીપકે
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજિત દીપકે શનિવારે સવારે જ અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે. ભારત પહોંચતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના સમર્થકોને ખાસ અપીલ કરી છે. તેમણે લખ્યું કે, “લેન્ડિંગ થઈ ગયું છે. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સાથે પુસ્તક અને આપણો તિરંગો લાવવાનું ભૂલતા નહીં! પોલીસકર્મીઓને સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ફૂલ અર્પણ કરો. આપણે આ આંદોલન પ્રેમ અને શાંતિથી ચલાવવાનું છે.”
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. આ અગાઉ જાણીતા શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ જાહેરાત કરી હતી કે જો 5 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. CJP ના કાર્યકર્તાઓ શનિવારે સવારે શાંતિપૂર્ણ પ્રદર્શનની પરવાનગી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર પણ એકઠા થયા હતા.
સેન્ટ્રલ દિલ્હી 12 ઝોનમાં વહેંચાયું, મંત્રીઓના નિવાસસ્થાને સુરક્ષા વધી
આ વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વરિષ્ઠ મંત્રીઓના સત્તાવાર નિવાસોની આસપાસ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સેન્ટ્રલ દિલ્હીને 12 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની કમાન ડીસીપી (DCP) રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તારમાં 1,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા જવાનોને કડક સૂચના આપવામાં આવી છે કે પ્રદર્શનકારીઓ સાથે બિનજરૂરી ટકરાવ ટાળવો અને વાતચીત દ્વારા સ્થિતિ શાંત રાખવી. આ પ્રદર્શનના કારણે લ્યુટિયન્સ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની સંભાવના છે.


Leave a Comment