આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીના તમામ જુના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. વિશ્વભરમાંથી મળેલા આંકડાઓ અનુસાર, ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર અંદાજે રૂ. 75 થી 76 કરોડનું ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આ શાનદાર કમાણી સાથે જ આ ફિલ્મ નેચરલ સ્ટાર નાનીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
‘બાહુબલી: ધ બિગીનિંગ’ અને ‘વોર’ જેવી ફિલ્મોને પાછળ છોડી
‘ધ પેરેડાઇઝ’ ફિલ્મે પોતાની પ્રથમ દિવસની કમાણીથી બોક્સ ઓફિસના દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. ફિલ્મે ઓપનિંગ ડે કલેક્શનના મામલે પ્રભાસની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી: ધ બિગીનિંગ’ (રૂ. 73 કરોડ) અને ઋતિક રોશન-ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ ‘વોર’ (રૂ. 74 કરોડ)ના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટું ઓપનિંગ મેળવનારી ટોપ-40 ફિલ્મોની યાદીમાં ‘ધ પેરેડાઇઝ’ ફિલ્મે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
ભારત સહિત વિદેશોમાં પણ રહ્યો દબદબો
ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પેઇડ પ્રીવ્યૂઝ અને પ્રથમ દિવસ મળીને ભારતમાં રૂ. 46 કરોડથી વધુનું નેટ (અંદાજે રૂ. 55 કરોડ ગ્રોસ) કલેક્શન કર્યું છે. સૌથી વધુ પ્રતિસાદ આ ફિલ્મના ઓરિજિનલ તેલુગુ વર્ઝનને મળ્યો છે, જ્યાં થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સિવાય ઓવરસીઝ એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા અંદાજે 2 મિલિયન ડોલર (રૂ. 22 કરોડ)થી વધુની કમાણી કરી છે. વિદેશોમાં રહેતા ભારતીય સિનેમાના ચાહકો તરફથી ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
નાનીના કરિયરની સૌથી મોટી ઓપનર
આ પહેલા નેચરલ સ્ટાર નાનીની ફિલ્મ ‘હિટ 3’ (HIT 3) એ પહેલા દિવસે રૂ. 40 કરોડની કમાણી કરી હતી, જે અત્યાર સુધી તેમની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. પરંતુ ‘ધ પેરેડાઇઝ’ ફિલ્મે રૂ.75 કરોડથી વધુનું કલેક્શન કરીને પોતાના જ જૂના રેકોર્ડને ખૂબ મોટા માર્જિનથી તોડી નાખ્યો છે. આ ફિલ્મે ‘દસરા’ અને ‘સરીપોધા સનિવારમ’ જેવી સફળ ફિલ્મોના ઓપનિંગ રેકોર્ડ્સને પણ પાછળ છોડી દીધા છે.



