ઓગસ્ટ મહિનામાં જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેને ખુબ જ મર્યાદિત સ્ક્રીન્સ મળી હતી. પ્રથમ દિવસે માત્ર 10 લાખ રૂપિયાની ઓપનિંગ મેળવનાર આ ફિલ્મે શરૂઆતના બે અઠવાડિયામાં માંડ 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, દર્શકોના સકારાત્મક પ્રતિસાદ અને ‘વર્ડ ઓફ માઉથ’ના કારણે ફિલ્મની લોકપ્રિયતામાં એવો ઉછાળો આવ્યો કે થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ ઉમટી પડી.
8મા વીકેન્ડમાં પણ કમાણીની રફતાર અવિરત
સામાન્ય રીતે ફિલ્મો રિલીઝના બે-ત્રણ અઠવાડિયા પછી બોક્સ ઓફિસ પર શાંત પડી જતી હોય છે, પરંતુ ‘હનુમાન અંશ’ 8મા અઠવાડિયામાં પહોંચ્યા પછી પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે.
8મા રવિવારે આ ફિલ્મે ભારતમાં એક જ દિવસમાં આશરે 9 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને દરેકને ચોંકાવી દીધા છે. આ સાથે જ 8મા વીકેન્ડમાં ફિલ્મે 18.95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં ભારતમાં આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન 307 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 362.70 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘3 ઈડિયટ્સ’ અને ‘કાંતારા’ જેવી દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડી
વિદેશી બજારોમાં મોડી રિલીઝ થયા છતાં, આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 38.50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. પરિણામે, ‘હનુમાન અંશ’નું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન હવે 401.20 કરોડ રૂપિયા (આશરે ₹402 કરોડ)ને પાર કરી ગયું છે.
આ સાથે જ આ ફિલ્મે ભારતીય સિનેમાની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ‘3 ઈડિયટ્સ’ (₹400 કરોડ), ‘કાંતારા’ (₹401 કરોડ), ‘ક્રિશ ૩’ (₹393 કરોડ) અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ (₹392 કરોડ)ના લાઇફટાઇમ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ભારતની ટોપ 50 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે.
નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે વાર્તા
વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ તેમની જ પુસ્તક ‘ડિવાઈન ડિ ટૂર: ધેટ ચેન્જ્ડ માય લાઈફ’ પર આધારિત છે. ફિલ્મની વાર્તા પ્રખ્યાત સંત શ્રી નીમ કરોલી બાબા (લક્ષ્મણ નારાયણ શર્મા)ના પ્રારંભિક જીવન, તેમની આધ્યાત્મિક યાત્રા અને સેવાભાવના સંદેશ પર કેન્દ્રિત છે.
ફિલ્મમાં શોભિનવ સત્યાએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને અનિલ રસ્તોગી જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે. કોઈ મોટો સુપરસ્ટાર કે મોટા બજેટની માર્કેટિંગ વગર પણ આ ફિલ્મે માત્ર પોતાની પ્રેરણાદાયી વાર્તાના દમ પર આ સિદ્ધિ મેળવી છે.



