બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ધર ફરી એકવાર મોટા પડદા પર કંઈક અલગ અંદાજમાં જોવા મળવાની છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને કલર યલો પ્રોડક્શન્સે બુધવારે આગામી ફેન્ટસી-ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘નઈ નવેલી’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં યામી ગૌતમનો અત્યાર સુધીનો સૌથી અલગ અને રહસ્યમય અવતાર જોવા મળી રહ્યો છે, જે ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધારી રહ્યો છે.
નવી વહુના આગમન સાથે શરૂ થાય છે રહસ્ય
મેરઠની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ અવસ્થી પરિવારની આસપાસની કહાની રજૂ કરે છે. પરિવારમાં નવી વહુ મોહિનીની એન્ટ્રી થતાં જ અણધાર્યા બનાવો શરૂ થઈ જાય છે. શરૂઆતમાં બધું સામાન્ય સંયુક્ત પરિવાર જેવું લાગે છે, પરંતુ જ્યારે ઘરમાં એવી ચર્ચા શરૂ થાય છે કે ‘નવી ભાભી ડાકણ છે’, ત્યારથી વાર્તા રહસ્ય અને કોમેડીના નવા વળાંક તરફ આગળ વધે છે. લગ્નની પરંપરાગત વિધિઓ, પરિવારની નોકઝોક અને મજેદાર પ્રસંગો વચ્ચે ધીમે ધીમે એક જાદુઈ દુનિયાનું રહસ્ય સામે આવે છે. ટ્રેલરમાં ફેન્ટસી સાથે એક્શન અને કોમેડીનો પણ ભરપૂર ડોઝ જોવા મળે છે.
મોહિનીના પાત્ર વિશે યામી ગૌતમે શું કહ્યું?
પોતાના પાત્ર વિશે વાત કરતાં યામી ગૌતમ ધરે જણાવ્યું કે મોહિની સામાન્ય વહુઓ જેવી નથી. તેના પાત્રમાં એક તરફ પારિવારિક આત્મીયતા છે, તો બીજી તરફ તેની અંદર એક મોટું રહસ્ય છુપાયેલું છે. યામીના જણાવ્યા મુજબ, મોહિનીનું પાત્ર ભાવનાઓ, જાદુઈ દુનિયા અને એક્શન વચ્ચેનું સંતુલન રજૂ કરે છે. દર્શકોને આ અનોખી સફર પર લઈ જવા માટે તે ઉત્સાહિત છે.
ડિરેક્ટર બાલાજી મોહને કહ્યું- હસાવશે પણ ચોંકાવશે
ફિલ્મના દિગ્દર્શક બાલાજી મોહનના જણાવ્યા મુજબ, ફિલ્મની શરૂઆત એક સામાન્ય ભારતીય પરિવારની કહાનીથી થાય છે, પરંતુ આગળ વધતાં વાર્તા એવો અણધાર્યો વળાંક લે છે જે દર્શકોને હસાવવાની સાથે ચોંકાવી પણ શકે છે. તેમણે સમગ્ર કાસ્ટના અભિનયની પ્રશંસા કરતાં યામીના રહસ્યમય અવતારને ફિલ્મનું ખાસ આકર્ષણ ગણાવ્યું છે.
ક્યારે રિલીઝ થશે ‘નઈ નવેલી’
હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્મા દ્વારા લખાયેલી આ ફિલ્મનું સંગીત જી.વી. પ્રકાશ કુમારે આપ્યું છે. ફેન્ટસી, કોમેડી, એક્શન અને ફેમિલી ડ્રામાથી ભરપૂર ‘નઈ નવેલી’ આગામી 16 ઓક્ટોબર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.



